સ્ટીલ મૅન ઑફ ઇન્ડિયા વિસ્પી ખરાડીએ ૩૩૫.૬ કિલોના હરક્યુલસ પિલર્સને બે મિનિટ ૧૦.૭૫ સેકન્ડ પકડીને બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ
વિસ્પી ખરાડી
ભારતીય ઍથ્લીટ વિસ્પી ખરાડીએ ૩૩૫.૬ કિલોના હરક્યુલસ પિલર્સને બે મિનિટ ૧૦.૭૫ સેકન્ડ સુધી પકડી રાખીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. ટેસ્લાના માલિક ઈલૉન મસ્ક પણ વિસ્પીની તાકાતના ફૅન થયા છે અને તેમણે વિડિયો પોસ્ટ કરીને વિસ્પીની ઉપલબ્ધિની પ્રશંસા કરી છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડે એના સત્તાવાર ઍક્સ અકાઉન્ટ પર આ રેકૉર્ડનો વિડિયો પોસ્ટ કર્યો છે જેને કરોડો લોકોએ જોયો છે.
વિડિયોમાં દેખાય છે કે ગ્રીક વાસ્તુકળાના આધારે બનાવવામાં આવેલા બે નાના પિલર્સને વિસ્પીએ પકડી રાખ્યા છે. એને હરક્યુલસ પિલર્સ તરીકે ઓળખવામાં આવે છે. ૨૦.૫ ઇંચ પહોળા અને ૧૨૩ ઇંચ ઊંચા આ બે પિલર્સનું વજન અનુક્રમે ૧૬૬.૭ કિલો અને ૧૬૮.૯ કિલો હતું. દરેક પિલરને એક રસ્સીથી બાંધવામાં આવ્યો હતો, જેને વિસ્પી ખરાડીએ પકડી રાખી હતી અને સુનિશ્ચિત કર્યું હતું કે પિલર પડે નહીં. વિસ્પીનું કામ આ રસ્સીઓને લાંબા સમય સુધી પકડી રાખવાનું હતું અને સ્ટીલ મૅન ઑફ ઇન્ડિયા તરીકે જાણીતા વિસ્પીએ આ કામ કરી બતાવ્યું હતું. આ ઇવેન્ટ ગુજરાતના સુરત શહેરમાં યોજાઈ હતી.
ADVERTISEMENT
ઈલૉન મસ્કે શૅર કરેલા વિડિયો બાબતે બોલતાં વિસ્પીએ કહ્યું હતું કે ‘આ મારા માટે વાસ્તવમાં એક આશ્ચર્ય હતું જ્યારે મને ખબર પડી કે ઈલૉન મસ્કે મારો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડનો વિડિયો તેમના ઍક્સ અકાઉન્ટ પર શૅર કર્યો છે. હું ખુશ છું અને ગર્વ મહેસૂસ કરું છું. આ સિવાય મને એ બાબતે ઘણું ગૌરવ મહેસૂસ થાય છે કે એક ભારતીયની તાકાતના ક્ષેત્રમાં દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે.’
કોણ છે વિસ્પી ખરાડી?
ઇન્ડિયન ઇસ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ (IIM) બૅન્ગલોરથી વિસ્પી ખરાડીએ માસ્ટર ઇન બિઝનેસ મૅનેજમેન્ટ (MBA)ની ડિગ્રી મેળવી છે. તે મલ્ટિપલ બેલ્ટધારક અને ક્રાવ માગા નિષ્ણાત છે. તે અમેરિકાની સાયન્સ અૅકૅડેમી દ્વારા પ્રમાણિત સ્પોર્ટ્સ ન્યુટ્રિશનિસ્ટ છે. તે એક સ્ટન્ટ કોરિયોગ્રાફર, ઍક્ટર અને મૉડલ પણ છે. ઘણા જાણીતા લોકો માટે તે સ્ટ્રેન્થ કોચ અને ફિટનેસ તેમ જ ન્યુટ્રિશનિસ્ટરૂપે કામ કરે છે. માર્શલ આર્ટિસ્ટના રૂપે તેણે બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ના જવાનોને ટ્રેઇનિંગ પણ આપી છે. તે દેશભરમાં મહિલાઓ માટે આત્મરક્ષા પ્રશિક્ષણ કૅમ્પનું આયોજન કરે છે. તેના નામે ૧૩ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ સામેલ છે.

