જાલનામાં ૬૦ ફુટ ઊંડા કૂવામાં પડેલા બે શ્વાનને બચાવવા ૯૦ કિલોમીટરનો પ્રવાસ કરીને પહોંચી રેસ્ક્યુ-ટીમ
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
બે અબોલ જીવને નવું જીવન આપતો અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો એક અત્યંત ભાવુક કિસ્સો મહારાષ્ટ્રના જાલના જિલ્લામાંથી સામે આવ્યો છે. અહીંના જામવાડી ગામમાં આવેલા ૬૦ ફુટ ઊંડા કૂવામાં બે શ્વાન અચાનક ખાબક્યા હતા. કૂવો અત્યંત ઊંડો હોવાથી અને સ્થાનિક સ્તરે સાધનોના અભાવે એમને બહાર કાઢવા અત્યંત જોખમી બની ગયું હતું. કૂવામાંથી શ્વાનના સતત ભસવાના અને કકળાટના અવાજો આવતાં ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. જોકે કૂવાની ઊંડાઈ વધુ હોવાથી સ્થાનિક લોકો માટે રેસ્ક્યુ કરવું અશક્ય બનતાં આખરે કલેક્ટરની કચેરીનો સંપર્ક કરવામાં આવ્યો. કલેક્ટરની ઑફિસમાંથી સંકેત મળતાં જ શ્વાનના ફોટો છત્રપતિ સંભાજીનગરના પ્રાણીકલ્યાણ માટેના ManwithIndies Foundation સાથે શૅર કરવામાં આવ્યા હતા. ફોટો જોતાં જ ફાઉન્ડેશનના ડિરેક્ટર અને માનદ વાઇલ્ડલાઇફ વૉર્ડન આશિષ જોશીએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર રેસ્ક્યુ-ટીમ બનાવીને ૯૦ કિલોમીટર દૂર જામવાડી ગામ તરફ જવા રવાના કરી હતી. વાઇલ્ડલાઇફ રેસ્ક્યુઅર્સ દીપક વટાણે અને જય દેસાઈ પણ આ મિશનમાં જોડાયા. સ્થળ પર પહોંચીને ટીમે સલામતીનાં તમામ સાધનો સજ્જ કર્યાં અને કાળજીપૂર્વક ૬૦ ફુટ ઊંડા કૂવામાં ઊતર્યા. કૂવાની અંદર અત્યંત ભયભીત અવસ્થામાં રહેલા બન્ને શ્વાનને ટીમે ખૂબ જ કુશળતાપૂર્વક પકડી લીધા અને દોરડાં તથા સેફ્ટી-કવરની મદદથી સલામત રીતે બહાર કાઢ્યા હતા.
