રેસ્ટોરાંમાં જમવા ઉપરાંત પણ ખાસ અનુભવો આપવાની આજકાલ ફૅશન શરૂ થઈ છે. આવી જ ફૅશનમાં નવી ખૂલેલી બનારસની એક રેસ્ટોરાંમાં હાડપિંજર અને ભૂતો સાથે હૉરર એક્સ્પીરિયન્સ મળે છે.
બનારસની આ રેસ્ટોરાંમાં હાડપિંજર અને ભૂતો ખાવાનું સર્વ કરે છે
રેસ્ટોરાંમાં જમવા ઉપરાંત પણ ખાસ અનુભવો આપવાની આજકાલ ફૅશન શરૂ થઈ છે. આવી જ ફૅશનમાં નવી ખૂલેલી બનારસની એક રેસ્ટોરાંમાં હાડપિંજર અને ભૂતો સાથે હૉરર એક્સ્પીરિયન્સ મળે છે. હોટેલનું નામ છે કંકાલ હૉરર રેસ્ટોરાં. ચેતગંજમાં આર્ય મહિલા કૉલેજની પાસે આવેલી આ રેસ્ટોરાંમાં ભોજન સર્વ કરવા માટે હાડપિંજર અને ભૂતો હરતાં-ફરતાં દેખાય છે. વેઇટર કાળા રંગનાં તાંત્રિક જેવાં કપડાં અને ગળામાં ખોપડીઓની માળા પહેરીને સર્વ કરવા આવે છે. ક્યારેક વેઇટરે માત્ર હાડપિંજર દેખાય એવો ડ્રેસ પહેર્યો હોય છે. ભૂતના વેશમાં ફરતા આ વેઇટર્સ ખૂબ ફ્રેન્ડ્લી હોય છે અને જમવા આવનારા ગ્રાહકોને તેમના લુકથી ડરાવવામાં પણ માહેર હોય છે. અંદર ખૂબ અંધારું અને ડીમ લાઇટ હોય છે એટલે નકલી ભૂતોથી પણ ડર લાગે એવું છે. બનારસ એટલે કે કાશીને મોક્ષનું ધામ કહેવામાં આવે છે. શહેરની આ ઓળખને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી આ રેસ્ટોરાં ફેમસ થઈ ગઈ છે.
