આ અભ્યાસમાં હાડકાંઓનું ઘનત્વ વધે છે અને પીડા સહન કરવાની ક્ષમતા વધે છે
પ્રાચીન કુંગ ફુ કળાના સાધક ઝાંગ
વિશ્વમાં કેટલાંક કરતબો એવાં છે જે માત્ર માણસના શરીરની કડક પરીક્ષા જ લે છે એવું નથી, શારીરિક ઢાંચાને પણ બદલી નાખે છે. પ્રાચીન કુંગ ફુ કળાના સાધક ઝાંગ નામના ૫૩ વર્ષના ભાઈ છેલ્લાં ૨૦ વર્ષથી આયર્ન સૅન્ડ પામ નામની ટેક્નિકની પ્રૅક્ટિસ કરે છે. આ ટેક્નિકને કારણે હવે તેમની હથેળી હથોડા જેવી થઈ ગઈ છે. આ કળા શીખવાની ક્ષમતા બહુ જૂજ લોકોમાં હોય છે.
શાઓલિન કુંગ ફુ માર્શલ આર્ટમાં એક એવી પ્રથા છે જેમાં મોટા ભાગે હાથને મજબૂત કરવા માટે લોખંડ અને પથ્થર જેવી કઠોર ચીજો પર પ્રહાર કરવામાં આવે છે. ઝાંગભાઈએ હથેળીને મજબૂત કરવાની સાધના છેલ્લાં ૨૦ વર્ષથી કરી છે. આ અભ્યાસમાં હાડકાંઓનું ઘનત્વ વધે છે અને પીડા સહન કરવાની ક્ષમતા વધે છે. એમાં તેમણે રોજ ૬૦૦૦ વાર હથેળીઓથી લોખંડની મજબૂત ઈંટો પર પ્રહાર કરવાનો હતો. એને કારણે અનેક વાર હથેળીનું હાડકું તૂટી ગયું હતું અને ત્યાંના ટિશ્યુઝ ફાટી ગયા હતા. એમ છતાં ઝાંગે એ અભ્યાસ સતત ચાલુ રાખ્યો હતો. તેમના આ કઠિન અભ્યાસને કારણે હવે તેમની હથેળી એટલી મજબૂત થઈ ચૂકી છે કે તેઓ હથેળીથી ભલભલી ચીજોને ચકનાચૂર કરી નાખી શકે એમ છે. જોકે એની સાઇડ-ઇફેક્ટ તરીકે તેમની હથેળી મોટી થઈ ગઈ છે. તેમની ફૂલેલી હથેળી દેખાય છે એ કંઈ સોજો નથી પરંતુ ત્યાંનાં હાડકાં, ટિશ્યુ અને મસલ્સની આયર્ન જેવી મજબૂતીને કારણે એની સાઇઝ જ વધી ગઈ છે.
