રાજસ્થાનમાં ૧૨ વર્ષની એક છોકરીના નાકમાંથી જીવતી જળો નીકળી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. આ છોકરીને છેલ્લા બે મહિનાથી જમણી બાજુના નસકોરામાં ખૂબ પીડા થતી હતી અને અવારનવાર લોહી નીકળતું હતું.
૧૨ વર્ષની છોકરીના નાકમાંથી બે મહિનાથી લોહી નીકળતું હતું, ડૉક્ટરોએ નાકમાંથી કાઢી જળો
રાજસ્થાનમાં ૧૨ વર્ષની એક છોકરીના નાકમાંથી જીવતી જળો નીકળી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. આ છોકરીને છેલ્લા બે મહિનાથી જમણી બાજુના નસકોરામાં ખૂબ પીડા થતી હતી અને અવારનવાર લોહી નીકળતું હતું. નવાઈની વાત એ હતી કે તેને નાકમાં કે બહાર કંઈ જ વાગ્યું નહોતું. તે દરરોજ ઢોર-ઢાંખર ચરાવવા માટે ખેતરોમાં અને જંગલવિસ્તારમાં જતી-આવતી હતી. લગભગ બે મહિના સુધી તેની લોહી નીકળવાની તકલીફ મટી નહીં એટલે તેના પેરન્ટ્સ દવાખાને લઈ ગયા. સરકારી દવાખાનાના ડૉક્ટરને પહેલાં તો કાંઈ સમજાયું નહીં, પરંતુ ઊંડે બૅટરી નાખીને જોતાં અંદર કંઈક સળવળતો માંસનો લોચો જોવા મળ્યો હતો. એ પછી ડૉક્ટરે નાકમાં પાણી નાખ્યું અને પછી મોઢું નીચું કરાવીને ચીપિયા વડે નાકમાંથી સળવળતો જીવ ખેંચવાનું શરૂ કર્યું. ડૉક્ટરોએ ચીપિયાની મદદથી લગભગ ત્રણેક ઇંચ લાંબી જળો બહાર કાઢી હતી. ડૉક્ટરોનું કહેવું હતું કે ગંદા પાણીના સંપર્કમાં આવવાથી જળોનાં ઈંડાં નાક વાટે શરીરમાં પ્રવેશ્યાં હશે અને ધીમે-ધીમે અંદર જળો મોટી થતી ગઈ હશે. જો સમયસર જળોને કાઢી લેવામાં ન આવી હોત તો ખૂબ લોહી વહી જાત અને ચેપને કારણે છોકરીના જીવ પર જોખમ હતું.


