મલેશિયાના દામિરલ ઇમરાન નામના ભાઈએ પોતાનું પોકેમોન કાર્ડ્સનું કલેક્શન વેચીને કરોડો રૂપિયા રળીને ઇતિહાસ રચ્યો છે. ઇમરાનનું કહેવું છે કે આ કોઈ સામાન્ય વેપારસોદો નથી, પરંતુ પૅશન અને વારસો પણ છે.
પોકેમોન કાર્ડ્સનું કલેક્શન વેચીને મેળવ્યા ૩.૮ કરોડ રૂપિયા
મલેશિયાના દામિરલ ઇમરાન નામના ભાઈએ પોતાનું પોકેમોન કાર્ડ્સનું કલેક્શન વેચીને કરોડો રૂપિયા રળીને ઇતિહાસ રચ્યો છે. ઇમરાનનું કહેવું છે કે આ કોઈ સામાન્ય વેપારસોદો નથી, પરંતુ પૅશન અને વારસો પણ છે. મલેશિયાના શાહઆલમ શહેરમાં રહેતા દામિરલ ઇમરાનને પોકેમોનનાં કાર્ડ્સ કલેક્ટ કરવાનો જબરો શોખ હતો. તેણે લગભગ એક રૂમ ભરાઈ જાય એટલાં કાર્ડ્સ એકત્ર કરી લીધાં હતાં. તેની પાસે એટલું જાયન્ટ કલેક્શન હતું કે તે સોશ્યલ મીડિયા પર એને અવારનવાર ગ્લોરિફાય કરીને દેખાડ્યા પણ કરતો હતો. થોડાક મહિના પહેલાં તેણે મજાકમાં જ કહેલું કે હવે બહુ થયું, જો કોઈ મને એક લક્ઝરી પૉર્શે કાર અને એક મિલ્યન મલેશિયન રિંગિટ આપે તો તેને હું મારું આખું કલેક્શન આપી દેવા તૈયાર છું. આ વાત સાકાર થઈ અને તાજેતરમાં તેણે પોતાના રૂમમાં ભરેલાં કાર્ડ્સને ૧.૮૭ મિલ્યન મલેશિયન રિંગિટ એટલે કે લગભગ ૩.૮ કરોડ રૂપિયામાં વેચી નાખ્યાં હતાં. આ વેચાણની ડીલ પણ તેણે ઑનલાઇન પોતાના ચાહકો સાથે શૅર કરી હતી એને કારણે એશિયામાં ઠેર-ઠેર લોકો પોતાના ઘરમાં પડેલાં જૂનાં પોકેમોન કાર્ડ્સ કેટલા મૂલ્યનાં છે એની ચકાસણી કરવા લાગ્યા છે. પોકેમોન કાર્ડ્સની શરૂઆત ૧૯૯૬માં જપાનમાં થઈ હતી. આ કાર્ડ્સ ગેમ અને કલેક્શન બન્ને સ્વરૂપે જાણીતાં બન્યાં હતાં. સમય સાથે બાળકોનો આ શોખ કરોડોનો બિઝનેસ બની ગયો છે.


