૨૪ કિલોમીટર દૂર ડૉક્ટરના ક્લિનિક પર જવા નીકળેલા દાદા રસ્તો ભૂલી ગયા એટલે ફ્રાન્સથી ક્રોએશિયા પહોંચી ગયા
આ છે એ દાદા
હવે તો ગૂગલ મૅપ આવી ગયો છે, પણ જેમને એ વાપરતાં ન આવડે તેઓ હજીયે રોડ પરનાં પાટિયાં અને પોતાની યાદશક્તિના આધારે ડ્રાઇવ કરતા હોય છે. ફ્રાન્સમાં ૮૫ વર્ષના નબળી યાદશક્તિ ધરાવતા એક દાદા જાતે જ ડૉક્ટરના ક્લિનિક પર જવા માટે નીકળ્યા હતા, પણ ભૂલથી રસ્તો ચૂકી ગયા અને પછી તો રસ્તો શોધવામાં એવા ગોટે ચડ્યા કે દાદા ફ્રાન્સમાંથી નીકળીને બે-ત્રણ દેશો પાર કરી ગયા. યુરોપમાં નાના-નાના દેશો અને નજીક-નજીકમાં જ સરહદો છે અને યુરોપિયનોને એક દેશથી બીજા દેશમાં જવા માટે વીઝાની જરૂર નથી રહેતી એટલે આવી ગરબડ થઈ હતી. ૨૪ કિલોમીટર ડ્રાઇવ કરીને જ્યાં વધુમાં વધુ પોણો કલાકમાં પહોંચી શકાય એમ હતું ત્યાં રસ્તો ચૂકી જતાં દાદા આગળ ચાલી ગયા અને ફ્રાન્સથી આલ્પ્સ, ઇટલી અને સ્લોવેનિયા દેશ પાર કરીને છેક ક્રોએશિયા પહોંચી ગયા. લગભગ ૧૫૦૦ કિલોમીટર ડ્રાઇવ કર્યા પછી થાકી ગયેલા દાદાએ આખરે નજીકની હોટેલમાં રોકવાનું નક્કી કરી લીધું. ત્યાં થાકેલા અને થોડાક મૂંઝાયેલા વડીલને જોઈને હોટેલવાળાને શંકા ગઈ. તેણે પોલીસને જાણ કરી. દાદાનો પરિવાર પણ પોલીસની મદદ લઈને આખા ફ્રાન્સમાં શોધખોળ કરી રહ્યો હતો. જોકે ક્રોએશિયાની પોલીસે ફ્રાન્સમાં પરિવારને જાણ કરતાં તેમને ત્યાં જ હોટેલમાં રાખી લેવામાં આવ્યા. તેમનો પરિવાર બીજા દિવસે તેમને અને કારને લેવા ક્રોએશિયાની હોટેલ પહોંચ્યો ત્યારે સૌના શ્વાસ હેઠા બેઠા.


