ઘોડા પર ચડવા માટે પાસે ખુરસી કે હૉપ-અપ ટેબલ રાખો તો જ એની પીઠ પર ચડવું સંભવ છે
હ્યુગો નામનો ઘોડો દિવસે ન વધે એટલો રાતે વધી રહ્યો છે
ભારતીય ઘોડાઓની વાત કરીએ તો મારવાડી ઘોડા સૌથી ઊંચા, કદાવર અને ચપળ હોય છે. એની ઊંચાઈ પાંચથી સાડાપાંચ ફુટ જેટલી હોય છે. જોકે દુનિયાના સૌથી ઊંચા ઘોડાની હાઇટ છે ૬ ફુટ અને ૬ ઇંચ જેટલી. બ્રિટનના નૉર્થમ્પ્ટનશરમાં રહેતો ૪ વર્ષનો શાયર પ્રજાતિનો હ્યુગો નામનો ઘોડો દિવસે ન વધે એટલો રાતે વધી રહ્યો છે. એ માત્ર ૧૮ મહિનાનો હતો ત્યારે એનું કદ એક ઍવરેજ ઘોડા જેવડું થઈ ચૂક્યું હતું. બ્રેટ અને લિસા નામના યુગલે પાળેલા આ ઘોડાની હાઇટ ૧૯૯ સેન્ટિમીટર છે. હાઇટની સાથે વજન પણ એટલું જ ખાસ છે. સામાન્ય રીતે ઊંચા કદના ઘોડાઓમાં આક્રમકતા આવી જતી હોય છે, પરંતુ પૂરા ૮૯૦ કિલોનું વજન ધરાવતા હ્યુગો માટે એના માલિક બ્રેટનું કહેવું છે કે કદકાઠીમાં ખૂબ વધારે હોવા છતાં ઘોડાનો સ્વભાવ ખૂબ જ નરમ છે. એક વફાદાર ડૉગી જેવો કહ્યાગરો, શરમાળ અને બધા સાથે હળીમળી જાય એવો છે.
હ્યુગોની હાઇટને કારણે એના પર ચડવાનું બહુ અઘરું છે. ઘોડા પર ચડવા માટે પાસે ખુરસી કે હૉપ-અપ ટેબલ રાખો તો જ એની પીઠ પર ચડવું સંભવ છે. હાઇટ અને વજનને કારણે હ્યુગોભાઈ સ્થાનિક તહેવારોમાં અને અશ્વો માટે થતા શોઝમાં ખાસ હાજરી આપે છે. પ્રાણીનિષ્ણાતોનું કહેવું છે કે સામાન્ય રીતે ઘોડાનું કદ ૭-૮ વર્ષ સુધી થોડું-થોડું વધતું રહેતું હોય છે એનો મતલબ એ કે હજીયે હ્યુગોની હાઇટ વધી શકે છે.
ADVERTISEMENT
જોકે હ્યુગો કરતાંય ઊંચો એક ઘોડો ભૂતકાળમાં થઈ ચૂક્યો છે. અમેરિકાના વિસ્કૉન્સિનમાં બિગ જૅક નામનો ઘોડો હતો એની હાઇટ ૬ ફુટ અને ૯ ઇંચ જેટલી હતી જે ૨૦૨૧માં મૃત્યુ પામ્યો હતો.
