કેટલાક રિપોર્ટ્સમાં જણાવ્યા મુજબ, આ નવી ટેક્નૉલૉજીનું નામ ઇન્વિસડિફેન્સ કોટ છે જેની મદદથી દિવસે અથવા રાતે માનવીય શરીરને છુપાવી શકાય છે.
ઇન્વિસડિફેન્સ કોટ
લેખિકા જે. કે. રોલિંગના પુસ્તક પર આધારિત અને હૉલીવુડની પ્રખ્યાત ફિલ્મ ‘હૅરી પૉટર’માં જે અદૃશ્ય કોટ જોવા મળ્યો હતો એ હવે રિયલ લાઇફમાં પણ જોવા મળશે! કારણ કે વૈજ્ઞાનિકોના સમૂહે ઑપ્ટિકલ ટેક્નૉલૉજીના ક્ષેત્રે એક નવી શોધ કરી છે. કેટલાક રિપોર્ટ્સમાં જણાવ્યા મુજબ, આ નવી ટેક્નૉલૉજીનું નામ ઇન્વિસડિફેન્સ કોટ છે જેની મદદથી દિવસે અથવા રાતે માનવીય શરીરને છુપાવી શકાય છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મદદથી કાર્યરત સિક્યૉરિટી કૅમેરાથી પણ બચી શકાશે! હાલમાં શાંઘાઈમાં આયોજિત એક વૈજ્ઞાનિક ઇવેન્ટમાં ભૌતિકશાસ્ત્રીએ જણાવ્યું હતું કે આ ટેક્નૉલૉજીની મદદથી કેટલાંક ચોક્કસ મટીરિયલ્સને છુપાવી શકાય છે. આ વૈજ્ઞાનિકે વધુ વાત કરતાં જણાવ્યું કે નવી ટેક્નૉલૉજીમાં બહિર્મુખ નળાકાર લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક ઊભા લેન્સ સંકોચાઈ શકે છે જેનાથી પ્રકાશનું વક્રીભવન થઈ શકે છે. આ પ્રકારની ટેક્નૉલૉજીનો બહોળા સ્તરે ઉપયોગ થઈ શકે છે; જેમ કે મિલિટરી સેક્ટર, ફાઇટર જેટ્સ જેવાં વેહિકલ. આ ઇવેન્ટમાં વૈજ્ઞાનિકે મજાકિયા અંદાજમાં એવું પણ કહ્યું કે એવી પણ શક્યતા છે કે એક દિવસ એવો આવશે જ્યારે દરેક લોકો પાસે ફિલ્મ ‘હૅરી પૉટર’નો અદૃશ્ય કોટ હશે.

