ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં પુષ્પા સ્ટાઇલમાં સજ્જ થઈને આવેલા એક ભક્તની એન્ટ્રીએ તેને એમ જ VIP બનાવી દીધો હતો. સામાન્ય રીતે મહાકાલનાં દર્શન કરવા માટે ભારે ભીડ જામતી હોય છે, પરંતુ પુષ્પા સ્ટાઇલમાં દર્શન કરવા આવનારા આ ભક્તને એમ જ ખાસ મહત્ત્વ મળી ગયું.
સાડી, ગળામાં લીંબુની માળા અને બંગડીઓ પહેરીને પુષ્પા સ્ટાઇલમાં મહાકાલનાં દર્શને પહોંચ્યો શ્રદ્ધાળુ
ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં પુષ્પા સ્ટાઇલમાં સજ્જ થઈને આવેલા એક ભક્તની એન્ટ્રીએ તેને એમ જ VIP બનાવી દીધો હતો. સામાન્ય રીતે મહાકાલનાં દર્શન કરવા માટે ભારે ભીડ જામતી હોય છે, પરંતુ પુષ્પા સ્ટાઇલમાં દર્શન કરવા આવનારા આ ભક્તને એમ જ ખાસ મહત્ત્વ મળી ગયું હતું. એટલું જ નહીં, કેટલાક યુવાનો અને સ્થાનિક સિક્યૉરિટીના લોકોએ પણ તેને VIP હોય એમ સ્પેશ્યલ પ્રોટોકૉલ જેવી ટ્રીટમેન્ટ આપી હતી. આ ભાઈએ પુષ્પાની જેમ જ સાડી પહેરી છે. શરીરે ભૂરો રંગ ચોપડેલો છે અને ગળામાં ફૂલની માળાની સાથે લીંબુની માળા પણ લટકાવેલી છે. હાથમાં બંગડીઓ, કાનમાં કુંડળ અને ચહેરા પર દાઢી હોવાની સાથે પુષ્પા સ્ટાઇલનો મેકઅપ પણ છે. મહાકાલના માનસરોવર ગેટ પાસેથી આ ભાઈ પ્રવેશે છે અને ત્યાંથી તેનો વિડિયો પણ બને છે.
કેટલાય લોકો તેની સાથે ફોટો અને વિડિયો લે છે અને સૌથી મોટી વાત તો એ કે સ્થાનિક સિક્યૉરિટી ગાર્ડ્સ પણ એમાં સામેલ થઈ ગયા છે. મંદિર પરિસરમાં વિડિયો લેવાનો પ્રતિબંધ છે એમ છતાં આ ભાઈને સ્પેશ્યલ ટ્રીટમેન્ટ મળી રહી હોવાનો વિડિયો લેવાયો હોવાથી સોશ્યલ મીડિયા પર હોબાળો મચ્યો અને મંદિર પ્રશાસન પર પસ્તાળ પડી હતી. જોકે મંદિર પ્રશાસને સ્પષ્ટતા કરી હતી કે આ ઘટના થોડા દિવસો જૂની છે અને આ વિડિયો લેવાયા પછી અમે મંદિરના સુપરવાઇઝરને હટાવી દીધો હતો.
