પૂનમ સિંહનો ભોજન પ્રત્યેનો વીતરાગ જોઈને લોકો તેમને મહારાજ કહીને સંબોધે છે.
પૂનમ સિંહ
રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના ગુડા ગામમાં ૪૫ વર્ષના એક ભાઈએ ખોરાક લગભગ ખાધો જ નથી એમ કહીએ તોય ચાલે. પૂનમ સિંહ નામના આ ખેડૂતભાઈનું કહેવું છે કે તેઓ સવાર-સાંજ માત્ર દૂધ જ પીએ છે. તેમનું કહેવું છે કે બાળપણથી જ હું દૂધ પીતો આવ્યો છું અને મને ક્યારેય ખોરાક ખાવાની જરૂર જ મહેસૂસ નથી થઈ. એવું નથી કે તેમને ખોરાકથી ઍલર્જી છે. એમ છતાં તેમણે કદી અનાજ, ફળ કે શાકભાજીનો સ્વાદ જ ચાખ્યો નથી. દૂધ સિવાય ક્યારેક તેમણે ચા અથવા તો શેરડીનો રસ પીધો છે, એ સિવાયની બીજી કોઈ ચીજો ખાવા કે પીવાનું તેમને મન જ નથી થતું. જ્યારે કોઈનાં લગ્નમાં કે સામાજિક પ્રસંગોમાં જવાનું થાય ત્યારે લોકો તેને બીજું કંઈક ખાવાનો આગ્રહ કરતા હોય છે, જોકે તેમને ૫૬ પકવાન સામે જોઈને પણ એ ખાવાની ઇચ્છા નથી થતી. પૂનમ સિંહનું માનવું છે કે દૂધ પીવાથી તેમને પૂરતું પોષણ મળી રહે છે અને કદી બીમાર પણ પડતા નથી. ૪૫ વર્ષની ઉંમર સુધીમાં તેઓ માત્ર એક જ વાર માંદા પડ્યા હતા. એ પણ કોરોનાકાળમાં ૨૦૦૦ની સાલમાં. એ વખતે પણ તેમણે દૂધ સિવાય કંઈ ખાધું નહોતું અને થોડીક દવાઓથી સાજા થઈ ગયેલા. ડૉક્ટરો તેમને સલાહ આપે છે કે તેમણે અન્ન ખાવું જોઈએ, કેમ કે માત્ર દૂધ પીને લાંબું જીવન જીવવું સંભવ નથી. પૂનમ સિંહનો ભોજન પ્રત્યેનો વીતરાગ જોઈને લોકો તેમને મહારાજ કહીને સંબોધે છે.
