માણસો જેવા દેખાતા રોબોને હ્યુમનૉઇડ કહેવાય છે એમ બૌદ્ધ ધર્મનો ઉપદેશ આપતો આ રોબો પણ માણસ જેવો જ દેખાતો હોવાથી એને બુદ્ધરૉઇડ નામ આપ્યું છે
બુદ્ધરૉઇડબાબા
જપાનની ક્યોટો યુનિવર્સિટીના સંશોધકોએ બૌદ્ધ ધર્મનો ઉપદેશ આપે એવો રોબો તૈયાર કર્યો છે. એનું નામ રાખ્યું છે બુદ્ધરૉઇડ. માણસો જેવા દેખાતા રોબોને હ્યુમનૉઇડ કહેવાય છે એમ બૌદ્ધ ધર્મનો ઉપદેશ આપતો આ રોબો પણ માણસ જેવો જ દેખાતો હોવાથી એને બુદ્ધરૉઇડ નામ આપ્યું છે. આ ધર્મગુરુ બે પગે માણસની જેમ જ ચાલે છે અને બૌદ્ધ સાધુ જેવાં કપડાં પહેરે છે. આ રોબોને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના માધ્યમથી બૌદ્ધ ધર્મગ્રંથોનો અભ્યાસ કરાવવામાં આવ્યો છે. ધર્મગ્રંથોનો અભ્યાસ કરીને નિપુણ બની ગયેલા આ રોબોગુરુ ધર્મ સાથે સંકળાયેલા તમામ સવાલોના જવાબ આપી શકે છે. ધર્મને લગતી અંગત અને મુશ્કેલ લાગતી સમસ્યાઓ વિશે પણ આ ધર્મગુરુ પર્સનલ કાઉન્સેલિંગ આપી શકે છે. તાજેતરમાં જૅપનીઝ બૌદ્ધ મંદિરમાં ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું ત્યારે રોબોગુરુએ સાધારણ ગ્રે રંગનાં કપડાં પહેર્યાં હતાં. રોબોગુરુએ હાથ જોડીને પ્રાર્થના કરી હતી અને સાધુની મુદ્રામાં બેસીને પૂછવામાં આવેલા તમામ સવાલોના જવાબો આપ્યા હતા. એક પત્રકારે પૂછ્યું હતું કે ઓવરથિન્કિંગ કરવાની આદત માટે શું કરવું? તો બુદ્ધરૉઇડબાબાએ કહ્યું હતું, ‘બૌદ્ધ ધર્મ શીખવે છે કે વિચારો પાછળ આંખ બંધ કરીને ભાગવું ન જોઈએ અને ન તો કોઈ ઉતાવળમાં નિર્ણય લેવો જોઈએ.’
