આ ડેરડેવિલ કારનામું કર્યા પછી યુવકે પ્રપોઝ કર્યું અને યુવતીએ એ પ્રપોઝલનો સ્વીકાર કર્યો
એમ્પાયર સ્ટેટ
અમેરિકાના ન્યુ યૉર્કમાં એક રશિયન કપલ દુનિયાના સૌથી જાણીતા બિલ્ડિંગોમાંના એક એવા એમ્પાયર સ્ટેટ પર કોઈ સેફ્ટી વિના ચડી ગયું હતું. આ બિલ્ડિંગની ઊંચાઈ હતી ૧૪૫૪ ફુટ. આ ડેરડેવિલ કારનામું કર્યા પછી યુવકે પ્રપોઝ કર્યું અને યુવતીએ એ પ્રપોઝલનો સ્વીકાર કર્યો. રૂફટૉપ સ્ટન્ટ્સ માટે મશહૂર ૩૩ વર્ષની ઍન્જેલા નિકોલાઉ અને ૩૨ વર્ષનો ઇવાન કુજનેત્સોવે બુધવારે બપોરે કોઈ જ સેફ્ટી ગિઅર વાપર્યા વિના જ બિલ્ડિંગ પર ચડવાનું સાહસ કર્યું હતું અને જમીનથી ઉપર ૧૪૫૪ ફુટની ઊંચાઈએ પહોંચી ગયા હતા. આટલી ઊંચાઈ પર સેફ્ટી ઉપકરણો વિના ચડવાનું ખૂબ જ જોખમભર્યું હોવાથી એના પર પ્રતિબંધ છે. જોકે આ યુગલના સ્ટન્ટનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. એમાં યુગલ ટૉપ પર પહોંચીને કાળા રંગનું બૅનર લહેરાવતા જોવા મળે છે. ઇવાન ઘૂંટણિયે પડીને ફિલ્મી અંદાજમાં અંગૂઠી લઈને ઍન્જેલાને પ્રપોઝ કરે છે અને ઍન્જેલા એ રિન્ગ સ્વીકારીને ઇવાનને ભેટી પડે છે. જોકે યુગલની રોમૅન્ટિક પળો બહુ ઝાઝી ટકતી નથી. જેવા તેઓ નીચે ઊતરે છે કે તરત જ ન્યુ યૉર્ક પોલીસ તેમને પ્રતિબંધિત સાહસ કરવા બદલ પકડી લે છે.
