SBIના એક ATMની અંદર ACની ઠંડક વચ્ચે ગ્રાહકો પૈસા ઉપાડવાને બદલે હેરકટ અને શેવિંગ કરાવતા નજરે પડે છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
સામાન્ય રીતે આપણે ATMમાં પૈસા ઉપાડવા કે બૅન્કિંગ વ્યવહાર કરવા જઈએ છીએ, પરંતુ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા એક વિડિયોએ નેટિઝન્સને માથું ખંજવાળતા કરી દીધા છે. આ વિડિયોમાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI)ના એક ATMની અંદર ACની ઠંડક વચ્ચે ગ્રાહકો પૈસા ઉપાડવાને બદલે હેરકટ અને શેવિંગ કરાવતા નજરે પડે છે.
વાઇરલ વિડિયોમાં જોઈ શકાય છે કે ATM રૂમની અંદર જ એક મોટો અરીસો અને સલૂનની ખુરસી ગોઠવી દેવામાં આવ્યાં છે અને હેરડ્રેસર ગ્રાહકના વાળ કાપી રહ્યો છે. આની પાછળની સ્ટોરી એમ છે કે બિહારના દાનાપુરમાં થોડા મહિના પહેલાં ATM ચાલુ હતું, પણ પછી કોઈ કારણસર SBIએ ATMની જગ્યા બદલી નાખી. બૅન્કવાળા ATM તો લઈ ગયા, પણ પાટિયું હટાવ્યું નથી. એટલે આ ભાઈએ પણ આવી મોકાની જગ્યાએ સલૂન ખોલી દીધું.
