અમલ ન થઈ શકે એવા કડક પ્રતિબંધાત્મક આદેશો આપવા સામે ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાની ચેતવણી, ઓછા નુકસાનકારક ફટાકડાને પ્રોત્સાહન આપવા અને જાગૃતિ કેળવવા અપીલ
દેશના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત
દિલ્હી-NCRમાં વાયુપ્રદૂષણ અને ફટાકડા પરનાં નિયંત્રણો વિશે સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે સોમવારે જાહેર આરોગ્ય અને ધાર્મિક લાગણીઓ વચ્ચે સંતુલન જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. દેશના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જૉયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠે સ્પષ્ટ કર્યું હતું કે અદાલત ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની તરફેણમાં નથી, પરંતુ નાગરિકોએ પોતે સ્વાસ્થ્ય માટેનાં જોખમોને સમજીને સ્વેચ્છાએ સુરક્ષિત વિકલ્પો તરફ વળવું જોઈએ.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે સુનાવણી દરમ્યાન જણાવ્યું હતું કે ‘અમે લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા માગતા નથી, પરંતુ એ જ સમયે લોકોએ પોતે આગળ આવીને સુરક્ષિત પદ્ધતિઓ અપનાવવી જોઈએ. જો નાગરિકો પોતે જાગૃત બનશે અને સિવિલ સોસાયટી આ બાબતે સભાન થશે તો એ શ્રેષ્ઠ ઉકેલ સાબિત થશે.’
દિલ્હી-NCRમાં વાયુપ્રદૂષણ, પરાળી સળગાવવા અને ઘન કચરાના વ્યવસ્થાપન સંબંધિત જાતે કરેલી અરજી (સુઓ મોટો)ની સુનાવણી દરમ્યાન જ્યારે કોર્ટના મિત્રએ પ્રદૂષણથી બાળકો અને વડીલોના સ્વાસ્થ્ય સામેનાં ગંભીર જોખમોનો ઉલ્લેખ કર્યો ત્યારે જસ્ટિસ બાગચીએ પૂછ્યું હતું કે ફટાકડા ફોડવામાં ધાર્મિક શું છે? એના જવાબમાં કોર્ટ-મિત્રએ જણાવ્યું હતું કે અદાલતે સ્વાસ્થ્ય અને ધાર્મિક ભાવનાઓ બન્નેને સંતુલિત કરવી પડશે. એની સાથે જ ટિપ્પણી કરી હતી કે જો ભગવાનને ખબર પડે કે તેમના નામે બાળકો બીમાર પડી રહ્યાં છે તો તેઓ પણ આઘાત પામશે.
કોર્ટ-મિત્રએ કહ્યું હતું કે ‘હકીકતમાં એક કે બે કલાકની સમયમર્યાદાના આદેશો લાગુ કરવા અશક્ય છે, કારણ કે દરેક ગલીમાં પોલીસ તહેનાત થઈ શકતી નથી. તેથી આ મામલો કમિશન ફૉર ઍર ક્વૉલિટી મૅનેજમેન્ટ (CAQM)ને સોંપવો જોઈએ.’
CJI સૂર્યકાંતે ગ્રાઉન્ડ લેવલ પર જેનો અમલ ન થઈ શકે એવા પ્રતિબંધાત્મક આદેશો આપવા સામે સાવચેતી રાખવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે ‘જ્યારે પણ કોઈ પ્રતિબંધ લાદવામાં આવે છે ત્યારે લોકો એને બળજબરી સમજે છે જે એક સ્વાભાવિક માનવીય પ્રતિક્રિયા છે. આપણે વ્યવહારુ બનવું પડશે. લોકોને અપીલ કરવી જોઈએ કે તેઓ અમુક ચોક્કસ કલાકો સુધી જ ઉજવણી મર્યાદિત રાખે. વધુ પ્રદૂષણ ફેલાવતા ફટાકડા પર રોક લગાવી શકાય અને ઓછા નુકસાનકારક ગ્રીન ફટાકડાને પરવાનગી આપી શકાય. આપણે લોકોને આપણાં મૂળ સાંસ્કૃતિક વારસા તરફ વાળવાં જોઈએ, જ્યાં માત્ર દીવાઓ પ્રગટાવવાની અને ફૂલઝડી પ્રગટાવવાની પરંપરા હતી.’
