વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વેરોનિકાને ગાયોની આઇન્સ્ટાઇન કહેવી જોઈએ.
ઑસ્ટ્રિયાની વેરોનિકા નામની ગાય
આપણે ત્યાં ગાયને માતા માનવામાં આવે છે, પરંતુ ગાય એને આપવામાં આવેલાં સાધનોનો ઉપયોગ કરી શકે એટલી સ્માર્ટ હોય છે ખરી? ઑસ્ટ્રિયાની વેરોનિકા નામની આ ગાય તો સ્માર્ટ છે જ. સોશ્યલ મીડિયા પર આ ગાય ખૂબ ફેમસ થઈ ગઈ છે. એક વાર વેરોનિકા પાસે પડેલા મોટી લાકડીવાળા બ્રશને મોંએથી ઊંચકીને પીઠ ખંજવાળતી હતી. આ દૃશ્ય જોઈને એની માલિકણે વિડિયો લઈ લીધો અને સોશ્યલ મીડિયામાં શૅર કર્યો. એ જોઈને કેટલાક ઍનિમલ બિહેવિયર ઍનલિસ્ટ નિષ્ણાતોએ એને વધુ પ્રયોગો કરવા પ્રેરી. વેરોનિકા વિવિધ પ્રકારના બ્રશનો ઉપયોગ કઈ રીતે કરે છે એ સમજવા માટે એની આસપાસ એક કૅમેરા ઇન્સ્ટૉલ કરવામાં આવ્યો. એમાં જોવા મળ્યું કે વેરોનિકાબહેન તો બહુ સ્માર્ટ છે. એ પીઠ પાસે હાડકાંવાળી કડક જગ્યાએ ખંજવાળવા માટે બ્રશ જેવો ભાગ વાપરે છે અને આંચળ તેમ જ પેટની પાસેના સૉફ્ટ ભાગોને ખંજવાળવા લાકડીનો કડક ભાગ વાપરે છે. એનાથી તે ઊંડા ખાંચાવાળી જગ્યાએ પણ ખંજવાળી શકે છે. પ્રાણીઓની વર્તણૂકનું વિશ્લેષણ કરતા નિષ્ણાતોનું કહેવું છે કે વેરોનિકા પહેલી ગાય છે જે સાધનો સમજી-વિચારીને વાપરી શકે છે. પ્રતિષ્ઠિત જર્નલ કરન્ટ બાયોલૉજીમાં ઑસ્ટ્રિયાની વિયેના યુનિવર્સિટી ઑફ વેટરિનરી મેડિસિનના સંશોધકોએ કરેલા પ્રયોગો નોંધાયા છે. પ્રયોગનાં ૭ સેશન દરમ્યાન વેરોનિકાએ ૭૦થી વધુ વાર અલગ-અલગ રીતે સાધન વાપર્યું હતું. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વેરોનિકાને ગાયોની આઇન્સ્ટાઇન કહેવી જોઈએ.


