એકના ખભે બીજો ભાઈ ઊંધો ઊભો થઈ ગયો અને પછી કર્યા સ્ક્વૉટ્સ...
જોડિયા ભાઈઓએ બનાવ્યો અનોખો રેકૉર્ડ
યુક્રેનના ખારકિવ શહેરમાં રહેતા ઇન્ટરનૅશલ સ્તરે પ્રસિદ્ધ ઍક્રોબેટિક્સ સ્પેશ્યલિસ્ટ ટ્વિન બ્રધર્સ દંગ રહી જવાય એવા બૅલૅન્સિંગ ઍક્ટ્સ કરવા માટે જાણીતા છે. ઍન્ડી બિલાક અને મિખાઇલો બિલાક નામના આ જોડિયા ભાઈઓએ આ વખતે તો ગજબ શબ્દ પણ નાનો પડે એવો સ્ટન્ટ કર્યો છે. એમાં એક ભાઈ જમીન પર સીધો ઊભો છે. બીજો ભાઈ એકમેકના હાથ પકડીને તેના માથે ચડી જાય છે. નીચે ઊભેલા ભાઈના ખભાની ઉપર તે પોતાનો ખભો ટેકવે છે અને પછી બન્ને એકબીજાનો હાથ પણ છોડી દે છે. ખભાની ઉપર ઊંધા ઊભેલા ભાઈનું શરીર સ્થિર છે અને હવે નીચેનો ભાઈ એ જ પોઝિશનમાં સ્ક્વૉટ્સ શરૂ કરે છે. સ્ક્વૉટ્સમાં તે કોઈ જ સહારા વિના ઘૂંટણ વાળીને નીચે બેસે છે અને પાછો ઊભો થાય છે. ૧ મિનિટમાં તે ૧૭ વાર સ્ક્વૉટ્સ કરે છે. આ કરતબને શોલ્ડર-ટુ શોલ્ડર બૅલૅન્સ્ડ પોઝિશનમાં સૌથી વધુ સ્ક્વૉટ્સ કરવાના વિક્રમ તરીકે ગિનેસ બુક ઑફ રેકૉર્ડ્સમાં નોંધવામાં આવ્યો છે.
