ફાઇબરબૉન્ડ કંપનીને એસ્ટન નામની અમેરિકન દિગ્ગજ કંપનીએ ખરીદી લીધી છે
ગ્રેહામ વૉકર
સામાન્ય રીતે કોઈ કંપની વેચાય તો એનો નફો એ કંપનીના પ્રમોટર્સ કે શૅરધારકોને જ મળે છે, પણ અમેરિકાના લ્યુસિયાનાની ફાઇબરબૉન્ડ નામની કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) ગ્રેહામ વૉકરે કંપની વેચી એ પછી સાવ ચોંકાવનારું પગલું લીધું છે. કંપની વેચાઈ જાય ત્યારે કર્મચારીઓ ચિંતામાં પડી જાય છે કે હવે તેમનું શું થશે? જોકે ગ્રેહામ વૉકરે કંપનીના વેચાણથી મળેલી કુલ રકમમાંથી ૧૫ ટકા જેટલો હિસ્સો કંપનીના ૫૪૦ ફુલટાઇમ કર્મચારીઓ વચ્ચે વહેંચવાનો નિર્ણય લીધો હતો. એને કારણે લગભગ ૨૪૦ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૨૧૪૪ કરોડ રૂપિયા ૫૪૦ કાયમી અને ફુલ ટાઇમ કર્મચારીઓમાં વહેંચાયા હતા. ફાઇબરબૉન્ડ કંપનીને એસ્ટન નામની અમેરિકન દિગ્ગજ કંપનીએ ખરીદી લીધી છે. આ વેચાણની ડીલ દરમ્યાન ગ્રેહામે શરત રાખી હતી કે તે કર્મચારીઓને પણ વેચાણમાંથી મળતી રકમનો હિસ્સેદાર બનાવશે. કંપનીએ ૨૦૨૫ના જૂન મહિનાથી કર્મચારીઓને બોનસની રકમનું પેમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. દરેક કર્મચારીના ભાગે ૪.૪૩ લાખ ડૉલર એટલે કે લગભગ ૩.૭ કરોડ રૂપિયા આવ્યા છે. આ રૂપિયા પૂરેપૂરા એકસાથે નહીં, પરંતુ પાંચ વર્ષમાં ઇન્સ્ટૉલમેન્ટમાં આપવામાં આવશે.


