આ ઘર એક ભોંયરાની ઉપર બન્યું હતું એટલે મહિલા પલંગ સહિત ૧૫ ફુટ ઊંડે ભોંયરામાં પડી હતી. આ ભોંયરામાં એક સમયે સિંધિયા સામ્રાજ્યની કોર્ટ હતી. એ કોર્ટના એક રૂમમાં ટૅક્સવસૂલી રૂપે એકત્ર કરાયેલા અનાજ અને અન્ય માલસામાનને રાખવામાં આવતો હતો.
ઘરનું ભોંયરું!
મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લામાં એક ઘરની અંદર અચાનક જ અચંબિત થઈ જવાય એવી ઘટના ઘટી. બુધવારની રાતે નિશા મિશ્રા નામની એક મહિલા તેના બેડરૂમમાં પલંગની ચાદર બદલી રહી હતી એ જ વખતે ઘરનું ભોંયતળિયું જમીનમાં સમાઈ ગયું હતું. આ ઘર એક ભોંયરાની ઉપર બન્યું હતું એટલે મહિલા પલંગ સહિત ૧૫ ફુટ ઊંડે ભોંયરામાં પડી હતી. આ ભોંયરામાં એક સમયે સિંધિયા સામ્રાજ્યની કોર્ટ હતી. એ કોર્ટના એક રૂમમાં ટૅક્સવસૂલી રૂપે એકત્ર કરાયેલા અનાજ અને અન્ય માલસામાનને રાખવામાં આવતો હતો. આ મકાન એ રૂમ પર બન્યું હતું એની કદાચ કોઈને જાણ નહોતી. ૧૯૮૦માં આ ઘરનું નિર્માણ થયું હતું. જોકે એ પહેલાં જ વરસાદને કારણે માટી ધસી પડવાથી ભોંયરું પુરાઈ ગયું હતું. જોકે તાજેતરમાં પુષ્કળ વરસાદને કારણે નીચેની માટી વહી જતાં ભોંયરાની ઉપરની ફર્શ પોલી પડી ગઈ હતી અને ફસડાઈ પડી હતી.
