વર્લ્ડ સ્કાયડાઇવિંગ ડે નિમિત્તે 43 દેશોમાં હજારો લોકોએ એક જ દિવસમાં આકાશમાંથી કૂદકો મારીને નવો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. 24 કલાકમાં કુલ 31,075 સ્કાયડાઇવ્સ નોંધાઈ, જે ગયા વર્ષના રેકોર્ડને પાછળ છોડી વિશ્વનો નવો કીર્તિમાન બન્યો.
૧ દિવસ, ૪૩ દેશ, ૩૧,૦૭૫ લોકોએ કર્યું સ્કાયડાઇવિંગ
જુલાઈ મહિનાના બીજા શનિવારે એટલે કે ૧૧ જુલાઈએ વર્લ્ડ સ્કાયડાઇવિંગ ડે હતો. આ ખાસ દિવસ નિમિત્તે સ્કાયડાઇવિંગના દુનિયાભરના શોખીનોએ કંઈક અલગ કરવાનું વિચાર્યું. અમેરિકા, ઑસ્ટ્રેલિયા, બ્રિટન અને કૅનેડાની સ્કાયડાઇવિંગ સંસ્થાઓએ મળીને એક દિવસમાં વિશ્વભરમાં સૌથી વધુ લોકો સ્કાયડાઇવિંગ કરે એવો પ્રોજેક્ટ તૈયાર કર્યો. આમેય આજકાલ કંઈક થ્રિલિંગ ઍડ્વેન્ચર કરવાનું ટ્રેન્ડમાં છે ત્યારે પ્રોફેશનલ્સ અને નવસિખિયા તમામ લોકોને આ પ્રોજેક્ટનો ભાગ બનવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ક્યાંક કેટલાક લોકોએ ગ્રુપમાં સ્કાયડાઇવિંગ કર્યું તો ક્યાંક સોલો; કુલ ૪૩ દેશોમાં ૧૧ જુલાઈના ૨૪ કલાક દરમ્યાન હજારો લોકોએ આસમાનમાંથી કૂદકો માર્યો.
૨૦૨૪માં પણ આ પ્રોજેક્ટ અંતર્ગત ૩૦,૩૫૧ લોકોએ સ્કાયડાઇવિંગ કરીને રેકૉર્ડ બનાવ્યો હતો. એને પાર કરવા માટે આ વર્ષે વિશેષ જોર લગાવવામાં આવ્યું. આ વખતે ૪૩ દેશોમાં ૧૧ જુલાઈના દિવસે સ્કાયડાઇવિંગ શીખવતી કેટલીયે ઇન્સ્ટિટ્યૂટ્સે દિવસ-રાત કામ કર્યું અને આ વર્ષે ૩૧,૦૭૫ લોકોએ સ્કાયડાઇવિંગ કર્યું. આ તમામના લેખિત રેકૉર્ડ્સ અને વિડિયોગ્રાફીના ડૉક્યુમેન્ટ્સ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ માટે આપવામાં આવ્યા જે વેરિફાય થયા અને એક દિવસમાં સૌથી વધુ સ્કાયડાઇવિંગનો રેકૉર્ડ નોંધાયો.
