ક્રિસમસ આવતાં જ દુનિયાભરમાં ક્રિસમસ લાઇટિંગ અને ટ્રીની સજાવટ થવા માંડે છે. જોકે ઇટલીમાં ગુબ્બિયો શહેરમાં જેવું ક્રિસમસ-ટ્રી બને છે એવું વિશ્વમાં ક્યાંય નથી બનતું. એનું કારણ એ છે કે આ દુનિયાનું સૌથી મોટી સાઇઝનું ક્રિસમસ-ટ્રી છે.
૭૫૦ મીટર ઊંચું અને ૪૫૦ મીટર પહોળું ક્રિસમસ-ટ્રી બને છે ઇટલીના આ પહાડ પર
ક્રિસમસ આવતાં જ દુનિયાભરમાં ક્રિસમસ લાઇટિંગ અને ટ્રીની સજાવટ થવા માંડે છે. જોકે ઇટલીમાં ગુબ્બિયો શહેરમાં જેવું ક્રિસમસ-ટ્રી બને છે એવું વિશ્વમાં ક્યાંય નથી બનતું. એનું કારણ એ છે કે આ દુનિયાનું સૌથી મોટી સાઇઝનું ક્રિસમસ-ટ્રી છે. એની હાઇટ ૭૫૦ મીટર જેટલી છે અને પહોળાઈ ૪૫૦ મીટરની. નવાઈની વાત એ છે કે આ ક્રિસમસ-ટ્રીની વચ્ચે પણ દુનિયા વસેલી છે. ૧૯૯૧માં આ ક્રિસમસ-ટ્રીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું હતું અને એ પછી સૌથી જાયન્ટ ક્રિસમસ-ટ્રીના તેના ખિતાબને હજી સુધી કોઈ હલાવી શક્યું નથી. આ ટ્રી બનાવવા માટે ગુબ્બિયો શહેરમાં માઉન્ટ ઇન્ગુઇનોના ઢોળાવનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પર્વતના ઢોળાવ પર ૮૫૦૦ મીટર લાંબા ઇલેક્ટ્રિક તારથી ક્રિસમસ-ટ્રીના શેપ અને રંગમાં લાઇટો સેટ કરવામાં આવી છે. આ પર્વત પર ગામ પણ વસે છે. લોકો દૂરથી પર્વતના ઢોળાવ પર ચમકતા આ ક્રિસમસ-ટ્રીને બે-પાંચ કિલોમીટર દૂરથી પણ જોઈ શકે છે. કહેવાય છે કે પહેલી વાર આ ટ્રી બનાવવાનો પ્રયોગ ૧૯૮૧માં થયો હતો. એ પછી દર વર્ષે ૭ ડિસેમ્બરથી બીજા વર્ષની ૧૧ જાન્યુઆરી સુધી આ ક્રિસમસ-ટ્રી રોજ રાતે ચમકે છે. અહીં પર્વતના શિખર પાસે જ એક કૅથીડ્રલ ચર્ચ પણ આવેલું છે. આ ચર્ચ સુધી પહોંચવા કેબલ કારનો ઉપયોગ કરવો પડે છે.


