અફઘાનિસ્તાનની ટીમ આજથી આયરલૅન્ડ સામે પાંચ વન-ડેની સિરીઝ રમશે. રહમત શાહ નવા કૅપ્ટન તરીકે આગેવાની કરશે, જ્યારે ભારતીય મૂળના જય મુન્દ્રાને પહેલી વખત આયરલૅન્ડની વન-ડે ટીમમાં સ્થાન મળ્યું છે.
અફઘાનિસ્તાનનો કૅપ્ટન રહમત શાહ અને આયરલૅન્ડનો કૅપ્ટન પૉલ સ્ટર્લિંગ
અફઘાનિસ્તાનની ટીમની આજથી આયરલૅન્ડ ટૂર શરૂ થઈ રહી છે. નવા વન-ડે અને ટેસ્ટ-કૅપ્ટન રહમત શાહની આગેવાનીમાં અફઘાની ટીમ આયરલૅન્ડ સામે પાંચથી ૧૫ ઑગસ્ટ દરમ્યાન પાંચ વન-ડે મૅચ રમશે. ભારતના રાજસ્થાનના ફાસ્ટ બોલર જય મુન્દ્રાને પહેલી વખત આયરલૅન્ડની વન-ડે સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે. ૨૦૧૦થી આયરલૅન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે ૩૨ વન-ડે મૅચ રમાઈ છે એમાંથી ૧૮ મૅચમાં અફઘાનિસ્તાન અને ૧૩ મૅચમાં આયરલૅન્ડની જીત થઈ છે. માર્ચ ૨૦૧૯માં ભારતના દેહરાદૂનમાં એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી. માર્ચ ૨૦૨૪માં બન્ને ટીમો વચ્ચે છેલ્લી વન-ડે મૅચ રમાઈ હતી. બન્ને ટીમો વચ્ચે ૨૦૧૬થી ૮ વન-ડે સિરીઝ રમાઈ છે. અફઘાનિસ્તાન ૪ સિરીઝમાં અને આયરલૅન્ડ ૨૦૧૭ની માત્ર એક સિરીઝમાં વિજેતા રહ્યું છે. બાકીની ત્રણ સિરીઝ ડ્રૉ રહી હતી. અફઘાનિસ્તાન આ હરીફ સામે છેલ્લી ૬ વન-ડે મૅચ અને બે વન-ડે સિરીઝથી અજેય છે.
