Andre Russell Retirement: વેસ્ટ ઇન્ડીઝના ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી રિટાયરમેન્ટની જાહેરાત કરી; છેલ્લી વખત ૨૩ જુલાઈના ઓસ્ટ્રેલિયા સામે T20 રમવા ઉતરશે; આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા પણ ફ્રેન્ચાઇઝી T20 લીગમાં રમશે
આન્દ્રે રસેલ
ક્રિકેટના ફેન્સ માટે એક દુઃખદ સમાચાર છે. વેસ્ટ ઇન્ડીઝ (West Indies)ના તોફાની ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ (Andre Russell)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. જોકે તેની નિવૃત્તિ (Andre Russell Retirement) તાત્કાલિક અમલમાં આવશે નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના દિવસો હવે ગણતરીના છે. આન્દ્રે રસેલ ઓસ્ટ્રેલિયા (Australia) સામે બે T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા બાદ રિટાયરમેન્ટ લેશે.
આન્દ્રે રસેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી રિટાયરમેન્ટની જાહેરાત કરી. રસેલ ઓસ્ટ્રેલિયા સામે જમૈકા (Jamaica)ના સબીના પાર્ક (Sabina Park) ખાતે તેના હોમ ગ્રાઉન્ડ પર રમાનારી પ્રથમ બે T20 આંતરરાષ્ટ્રીય મેચ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ (T20 World Cup 2026) પહેલા વેસ્ટ ઈન્ડિઝ ટીમ માટે આ એક મોટો ઝટકો છે.
ADVERTISEMENT
આન્દ્રે રસેલે નિવૃત્તિ વિશે કહ્યું, ‘શબ્દોમાં તેનું વર્ણન કરી શકાતું નથી. વેસ્ટ ઈન્ડિઝનું પ્રતિનિધિત્વ કરવું એ મારા જીવનની સૌથી ગર્વની સિદ્ધિઓમાંની એક રહી છે. જ્યારે હું નાનો હતો, ત્યારે મને આ સ્થાન સુધી પહોંચવાની અપેક્ષા નહોતી, પરંતુ જેમ જેમ તમે રમવાનું શરૂ કરો છો અને રમતના પ્રેમમાં પડો છો, ત્યારે તમને ખ્યાલ આવે છે કે તમે શું પ્રાપ્ત કરી શકો છો. આનાથી મને વધુ સારા બનવાની પ્રેરણા મળી, કારણ કે હું મરૂન રંગોમાં મારી છાપ છોડવા અને અન્ય લોકો માટે પ્રેરણા બનવા માંગતો હતો.’
રસેલે આગળ કહ્યું, ‘મને વેસ્ટ ઈન્ડિઝ માટે રમવાનું ગમે છે અને મને મારા પરિવાર અને મિત્રો સામે ઘરે રમવાનું પણ ગમે છે, જ્યાં મને મારી પ્રતિભા દર્શાવવાની અને વધુ સારું પ્રદર્શન કરવાની તક મળે છે. હું મારી આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત શાનદાર રીતે કરવા માંગુ છું અને કેરેબિયન દેશોના ક્રિકેટરોની આગામી પેઢી માટે એક રોલ મોડેલ બનવા માંગુ છું.’
૩૭ વર્ષીય આન્દ્રે રસેલ ૨૦૧૯થી ફક્ત ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યો છે અને હાલમાં આ ફોર્મેટમાં ૮૪ મેચ રમી ચૂક્યો છે. રસેલની નિવૃત્તિ (Andre Russell Retirement) આગામી ટી૨૦ વર્લ્ડ કપના સાત મહિના પહેલા થઈ રહી છે, જે ફેબ્રુઆરી ૨૦૨૬માં ભારત (India) અને શ્રીલંકા (Sri Lanka)માં યોજાશે. તેણે વેસ્ટ ઈન્ડિઝ માટે એક ટેસ્ટ અને ૫૬ વનડે રમી છે, પરંતુ છેલ્લા ૬ વર્ષથી તે ફક્ત ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જ પોતાની ટીમ માટે સક્રિય હતો. રસેલે અત્યાર સુધી રમાયેલી ૮૪ મેચોની ૭૩ ઇનિંગ્સમાં કુલ ૧૦૭૮ રન બનાવ્યા છે. તેની સરેરાશ ૨૨ છે અને તેનો સ્ટ્રાઇક રેટ ૧૬૩.૦૯ છે. તેણે પોતાની કારકિર્દીમાં ૩ અડધી સદી ફટકારી છે. બોલર તરીકે, તે આ ફોર્મેટમાં ૬૧ વિકેટ લેવામાં સફળ રહ્યો છે. હવે જમૈકામાં ઓસ્ટ્રેલિયા સામે પહેલી મેચ ૨૦ જુલાઈ અને બીજી મેચ ૨૨ જુલાઈએ રમાશે, જે આન્દ્રે રસેલની કારકિર્દીની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હશે.

