Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પાંચ મૅચની સિરીઝમાં કાંગારૂઓ સામે અંગ્રેજ ટીમ હવે ૦-૨થી પાછળ થઈ ગઈ

પાંચ મૅચની સિરીઝમાં કાંગારૂઓ સામે અંગ્રેજ ટીમ હવે ૦-૨થી પાછળ થઈ ગઈ

Published : 08 December, 2025 01:43 PM | IST | Brisbane
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડે-નાઇટ ટેસ્ટ-મૅચના પહેલા દાવમાં ૩૦૦+ રન કરવા છતાં હારનારી પહેલી ટીમ બની ઇંગ્લૅન્ડ : બીજી ઇનિંગ્સમાં ૨૪૧ રને આૅલઆઉટ થઈને ઇંગ્લૅન્ડે માત્ર ૬૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો, આૅસ્ટ્રેલિયાએ ૧૦ ઓવરમાં બે વિકેટે ૬૯ રન કરીને સરળતાથી ટાર્ગેટ ચેઝ કર્યો

સ્ટીવ સ્મિથે શાનદાર ફોર ફટકારતાં જોફ્રા આર્ચરે તેની સાથે બોલાચાલી કરી હતી

સ્ટીવ સ્મિથે શાનદાર ફોર ફટકારતાં જોફ્રા આર્ચરે તેની સાથે બોલાચાલી કરી હતી


ઍશિઝની પાંચ ટેસ્ટ-મૅચની સિરીઝમાં યજમાન ટીમ ઑસ્ટ્રેલિયાએ ૨-૦થી જબરદસ્ત લીડ મેળવી લીધી છે. પહેલા દાવમાં ૩૩૪ રન કરનાર ઇંગ્લૅન્ડ બીજી ઇનિંગ્સમાં ૭૫.૨ ઓવરમાં ૨૪૧ રન કરીને ઑલઆઉટ થયું હતું. પહેલી ઇનિંગ્સમાં ૫૧૧ રન ફટકારનાર કાંગારૂઓએ ૧૦ ઓવરમાં બે વિકેટે ૬૯ રનની બ્રિસબેનની પિન્ક બૉલ ટેસ્ટ-મૅચમાં ૮ વિકેટે જીત નોંધાવી હતી.

ડે-નાઇટ ટેસ્ટ-મૅચની જ્યારે કોઈ ટીમે પહેલી ઇનિંગ્સમાં ૩૦૦+ રન કર્યા છે ત્યારે તમામ ૧૩ મૅચમાં ટીમને જીત મળી હતી. પહેલી વખત ડે-નાઇટ ટેસ્ટ-મૅચના પહેલા દાવમાં ૩૦૦+ રન કરનાર ટીમ ઇંગ્લૅન્ડ મૅચ હારી ગઈ છે.



બ્રિસબેન ટેસ્ટ-મૅચના ચોથા દિવસે ઇંગ્લૅન્ડે ૩૬મી ઓવરમાં ૧૩૪/૬ના સ્કોરથી બીજી ઇનિંગ્સને આગળ વધારી હતી. જોકે પહેલા સેશનમાં વિકેટલેસ રહ્યા બાદ ઇંગ્લૅન્ડે બીજા સેશન દરમ્યાન છેલ્લી ૪ વિકેટ ૧૭ રનની અંદર ગુમાવી હતી. ચોથા દિવસે બેન સ્ટોક્સના ૧૫૨ બૉલમાં ૪ ફોરની મદદથી ફટકારેલા ૫૦ રન અને વિલ જેક્સના ૯૨ બૉલમાં ૪૧ રનની ઇનિંગ્સને કારણે ઇંગ્લૅન્ડનો સ્કોર ૨૦૦ રનને પાર થયો હતો. બીજા દાવમાં કાંગારૂઓ માટે ફાસ્ટ બોલર માઇકલ નેસરે ૧૬.૨ ઓવરના સ્પેલમાં ૪૨ રન આપીને સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી.


૬૫ રનના મામૂલી ટાર્ગેટને ડિફેન્ડ કરતાં ઇંગ્લૅન્ડ માટે ગસ ઍટકિન્સને બાવીસ રન કરનાર ટ્રૅવિસ હેડ અને ૩ રન કરનાર માર્નસ લબુશેનની વિકેટ લઈને મૅચને રસપ્રદ બનાવી હતી. જૅક વેધરાલ્ડે ૨૩ બૉલમાં ૧૭ અને કૅપ્ટન સ્ટીવ સ્મિથના ૯ બૉલમાં ૨૩ રનની ઇનિંગ્સના આધારે કાંગારૂઓએ ૧૦ ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. બે-બે ફોર અને સિક્સર ફટકારનાર સ્ટીવ સ્મિથે સ્ટૅન્ડ ઇન કૅપ્ટન તરીકે ટેસ્ટ-ફૉર્મેટમાં તમામ ૧૧ મૅચમાં અપરાજિત રહેવાનો રેકૉર્ડ જાળવી રાખ્યો છે. 

કપિલનો શરમજનક રેકૉર્ડ તોડ્યો રૂટે


વિદેશી ધરતી પર એક પણ જીત વગર સૌથી વધુ ટેસ્ટ-મૅચ રમવાનો કપિલ દેવનો રેકૉર્ડ હવે જો રૂટે તોડ્યો છે. ઑસ્ટ્રેલિયામાં જો રૂટ ૧૬ ટેસ્ટ-મૅચ રમ્યો છે જેમાંથી બે મૅચ ડ્રૉ રહી છે અને ૧૪માં હાર મળી છે. અગાઉ કપિલ દેવ પાકિસ્તાનમાં ૧૫ ટેસ્ટ-મૅચ રમીને પણ જીતનો સ્વાદ ચાખી શક્યો નહોતો. તેની ૧૫ ટેસ્ટમાંથી પાંચમાં હાર મળી હતી અને ૧૦ મૅચ ડ્રૉ રહી હતી.

જ્યારે પહેલી બે મૅચમાં કાંગારૂઓ બન્યા છે હીરો, ત્યારે ઍશિઝમાં ઇંગ્લૅન્ડનાં સૂપડાં થયાં છે સાફ

પહેલી મૅચમાં ૧૦ વિકેટ લેનાર ઑસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક બીજી મૅચમાં ૮ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. ઍશિઝ ટેસ્ટ-સિરીઝના ઇતિહાસમાં માત્ર ત્રીજી વખત કોઈ પ્લેયર સિરીઝની પહેલી બે મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ બન્યો છે. ૨૦૦૬-’૦૭માં રિકી પૉન્ટિંગે અને ૨૦૧૩-’૧૪માં મિચલ જૉનસને આ કમાલ કરી હતી. આ બન્ને કિસ્સામાં ઇંગ્લૅન્ડ સામે ઑસ્ટ્રેલિયા ૫-૦થી ટેસ્ટ-સિરીઝ જીત્યું હતું.

39

આટલા હાઇએસ્ટ કૅચ એક દેશમાં એક હરીફ ટીમ સામે પકડવાનો રેકૉર્ડ કર્યો સ્ટીવ સ્મિથે.

148

આટલા બૉલમાં બેન સ્ટોક્સે ફિફ્ટી ફટકારી, બાઝબૉલ યુગ (જૂન ૨૦૨૨થી)માં આ સૌથી સ્લોએસ્ટ ફિફ્ટી બની. 

Whatsapp-channel Whatsapp-channel

08 December, 2025 01:43 PM IST | Brisbane | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK