ઝિમ્બાબ્વે સામે બીજી વન-ડે મૅચમાં ૮૪ રને જીત્યા કાંગારૂઓ
વીસમી સદી કરનાર ટ્રૅવિસ હેડ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો.
ઝિમ્બાબ્વે સામેની ત્રણ વન-ડે મૅચની સિરીઝ પર ઑસ્ટ્રેલિયાએ ૨-૦થી કબજો કર્યો છે. ગઈ કાલે બીજી મૅચમાં કાંગારૂ ટીમે ૮૪ રને જીત નોંધાવી હતી. ઝિમ્બાબ્વે સામે ઑસ્ટ્રેલિયાએ ૩૫૬/૬નો સ્કોર કર્યો હતો. જવાબમાં યજમાન ઝિમ્બાબ્વે ૪૮.૩ ઓવરમાં ૨૭૨ રને ઑલઆઉટ થયું હતું.
ઑસ્ટ્રેલિયાનો ઓપનર ટ્રૅવિસ હેડ ૮૪ બૉલમાં ૧૫ ફોર અને ત્રણ સિક્સની મદદથી ૧૨૨ રન કરીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ટ્રૅવિસ હેડની આ વીસમી સદી હતી. ૩૨ વર્ષનો ટ્રૅવિસ હેડ ટેસ્ટ-ક્રિકેટમાં ૧૨ અને વન-ડેમાં ૮ સદી ફટકારી ચૂક્યો છે. રસપ્રદ વાત એ છે કે તેની સદી સમયે કાંગારૂઓ ક્યારેય હાર્યા નથી. ૧૯ મૅચમાં જીત મળી છે અને એક ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી હતી.
સપ્ટેમ્બર ૨૦૨૪ પછી ઘરઆંગણાની બહાર ઑસ્ટ્રેલિયાની આ પ્રથમ દ્વિપક્ષીય વન-ડે સિરીઝ જીત છે. છેલ્લાં બે વર્ષમાં કાંગારૂઓને પાકિસ્તાન અને બંગલાદેશમાં વન-ડે સિરીઝમાં હારનો સતત હારનો સામનો કરવો પડ્યો હતો.
