ઇનિંગ્સની હારથી બચવા હજુ ૬૭ રનની જરૂર, જોકે તેમને હજુ ચમત્કારિક જીત મેળવવાનો વિશ્વાસ
ગઈ કાલે ઑસ્ટ્રેલિયા અને બંગલાદેશ વચ્ચેની પ્રથમ મૅચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયન બેટ્સમૅન ટ્રેવિસ હેડને આઉટ કર્યા બાદ ઉજવણી કરતો બંગલાદેશનો બોલર હસન મહમૂદ
ઑસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટના ગઈ કાલે ત્રીજા દિવસે મહેમાન બંગલાદેશનો જ હાથ ઉપર રહ્યો હતો. બંગલાદેશે ૬ વિકેટે ૩૫૧ રનથી આગળ રમતાં મેહદી હસન મિરાઝની ૬૫ રનની લડાયક ઇનિંગ્સના જોરે ૪૨૬ રન બનાવીને ૨૨૮ રનની મસમોટી લીડ લીધી હતી. ત્યાર બાદ બીજી ઇનિંગ્સમાં પણ ૧૬૧ રનમાં ૪ વિકેટ ઝડપીને વિનિંગ પોઝિશનમાં પહોંચી ગયા હતા. ઑસ્ટ્રેલિયા હજુ એક ઇનિંગ્સની હારની નામોશીને ટાળવા ૬૭ રન દૂર છે અને ૬ વિકેટ બાકી છે.
બીજી ઇનિંગ્સમાં ઑસ્ટ્રેલિયાની ખરાબ શરૂઆત થઈ હતી અને ઓપનર જૅક વેધરાલ્ડ ખાતું ખોલાવ્યા વિના પૅવિલિયન પાછો ફર્યો હતો. ટ્રૅવિસ હેડ (૧૭), માર્નસ લબુશેન (૩૧) અને સ્ટીવ સ્મિથ (૪૪) વધુ ટકી નહોતા શક્યા. કૅમરન ગ્રીન ૪૩ અને વિકેટકીપર-બૅટર ઍલેક્સ કૅરીએ ૧૯ રન સાથે ૯૪ બૉલમાં અણનમ ૩૯ રનની પાર્ટનરશિપ કરીને વધુ નુકસાન ટાળ્યું હતું. હવે આજે આ જોડી અને લોઅર ઑર્ડર બૅટરો કેટલું ટકે છે અને બંગલાદેશને કેટલો ટાર્ગેટ આપે છે એ નિર્ણાયક બની શકે છે. ઑસ્ટ્રેલિયન કૅમ્પે હજુ પણ કમબૅકનો વિશ્વાસ ગુમાવ્યો નથી તથા મિચલ સ્ટાર્ક અને જૉશ હેઝલવુડના દમ પર ચમત્કારી જીતની આશા રાખી રહ્યા છે.
બન્ને દેશ વચ્ચે અત્યાર સુધી રમાયેલી ૬ ટેસ્ટમાં પાંચમાં ઑસ્ટ્રેલિયાની જીત થઈ છે અને એક વાર બંગલાદેશ ઘરઆંગણે કાંગારૂઓને પછાડવામાં સફળ થયું હતું. બંગલાદેશ પણ હવે ઑસ્ટ્રેલિયાને તેમની જ ધરતી પર હરાવીને પાવર બતાવવા તત્પર છે.
સિક્સર સાથે હેઝલવુડ ક્લબ ૩૦૦માં સામેલ
ADVERTISEMENT
બંગલાદેશની લાડ ૨૨૮ સુધી મર્યાદિત રાખવામાં એક વર્ષ બાદ કમબૅક કરી રહેલા ઓસ્ટ્રેલિયન પેસ બોલર જૉશ હેઝલવુડે મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. તેણે કરીઅરમાં ૧૪મી વાર પાંચ કે એથી વધુ વિકેટ ઝડપીને ૮૯ રનમાં ૬ વિકેટ લીધી હતી અને આ સાથે ટેસ્ટ-ક્રિકેટમાં ક્લબમાં પણ સામેલ થઈ ગયો ૩૦૦ વિકેટ લેનારા બોલરોની હતો. તેની હવે ૭૬ ટેસ્ટમાં ૩૦૧ વિકેટ થઈ ગઈ છે. આ ક્લબમાં સામેલ થનાર તે નવમો ઓસ્ટ્રેલિયન બોલર છે.
