ભારતમાં બંગલાદેશી ક્રિકેટર્સની સુરક્ષા વિશે ચિંતા વ્યક્ત કરીને બંગલાદેશ બોર્ડે વર્લ્ડ કપ માટે ભારત નહીં આવવાનો નિર્ણય કર્યો : ICC સામે બંગલાદેશી ટીમની મૅચ ભારતની બહાર શ્રીલંકામાં શિફ્ટ કરવા અપીલ કરવામાં આવી, બંગલાદેશ ગ્રુપ-સ્ટેજમાં ૩ મૅચ કલકત્તામાં અ
મુસ્તફિઝુર રહમાન
ક્રિકેટ બોર્ડે બંગલાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાનને IPL 2026માંથી બહાર કરવાનો નિર્ણય લીધો એના બીજા જ દિવસે બંગલાદેશ ક્રિકેટ બોર્ડે મોટો ફેસલો કર્યો છે. બંગલાદેશ ક્રિકેટ બોર્ડે મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતની ટૂર નહીં કરવાનો નિર્ણય લઈ લીધો છે. ગ્રુપ Cમાં સામેલ બંગલાદેશની ૪ ગ્રુપ-સ્ટેજ મૅચમાંથી ૩ મૅચ કલકત્તામાં વેસ્ટ ઇન્ડીઝ, ઇટલી, ઇંગ્લૅન્ડ સામે અને એક મૅચ મુંબઈમાં નેપાલ સામે આયોજિત છે.
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને બંગલાદેશ ક્રિકેટ ટીમની મૅચો ભારતથી શ્રીલંકા ખસેડવાની વિનંતી પણ કરવામાં આવી છે. પાકિસ્તાન પણ પોતાની ગ્રુપ-સ્ટેજ સહિતની તમામ મૅચ શ્રીલંકામાં રમવાનું છે. જો બંગલાદેશને પણ આ મંજૂરી આપવામાં આવશે તો અન્ય ટીમોનાં શેડ્યુલ, ટ્રાવેલિંગ અને બ્રૉડકાસ્ટિંગ જેવા મુદ્દે મોટો પડકાર ઊભો થશે.
ADVERTISEMENT
બંગલાદેશ ક્રિકેટ બોર્ડે શું કહ્યું ?
બંગલાદેશ ક્રિકેટ બોર્ડે એક નિવેદનમાં કહ્યું હતું કે ‘બોર્ડે છેલ્લા ૨૪ કલાકમાં થયેલી ઘટનાઓને ધ્યાનમાં લેતાં પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરી છે અને ભારતમાં રમાનારી મૅચોમાં બંગલાદેશ નૅશનલ ટીમની ભાગીદારી વિશેની પરિસ્થિતિઓ વિશે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. વર્તમાન પરિસ્થિતિનું સંપૂર્ણ મૂલ્યાંકન કર્યા પછી અને ભારતમાં બંગલાદેશની ટીમની સલામતી વિશે વધતી ચિંતાઓ અને બંગલાદેશ સરકારની સલાહને ધ્યાનમાં લીધા પછી બોર્ડ ઑફ ડિરેક્ટર્સે નિર્ણય લીધો છે કે ટીમ ભારતની ટૂર નહીં કરશે.’
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ‘ઇવેન્ટ ઑથોરિટી તરીકે ICCને ઔપચારિક રીતે વિનંતી કરી છે કે બંગલાદેશની બધી મૅચો ભારતની બહાર શિફ્ટ કરવા પર વિચાર કરે. આશા છે કે ICC આ પરિસ્થિતિને સમજશે અને આ બાબતે તાત્કાલિક પ્રતિક્રિયા આપશે.’
બંગલાદેશમાં IPLનું લાઇવ ટેલિકાસ્ટ રોકવામાં આવશે
બંગલાદેશના રમતગમત સલાહકાર આસિફ નઝરુલે તે જ વ્યક્તિ છે જેણે બંગલાદેશ ક્રિકેટ બોર્ડને ભારત નહીં જવા વિશે સૂચન કર્યું હતું. તેણે એક નિવેદનમાં કહ્યું હતું કે ‘જો કોઈ બંગલાદેશી ક્રિકેટર કરાર હેઠળ હોવા છતાં ભારતમાં રમી શકતો નથી તો બંગલાદેશની રાષ્ટ્રીય ટીમ વર્લ્ડ કપ રમવા માટે ભારતની મુસાફરી સુરક્ષિત અનુભવી શકતી નથી.’
બંગલાદેશ ક્રિકેટ બોર્ડના નિર્ણય બાદ આસિફ નઝરુલે IPL 2026 વિશે ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘મેં માહિતી અને પ્રસારણ મંત્રાલયના સલાહકારને વિનંતી કરી છે કે બંગલાદેશની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું પ્રસારણ પણ સ્થગિત કરવામાં આવે. અમે કોઈ પણ સંજોગોમાં બંગલાદેશી ક્રિકેટ, ક્રિકેટરો અથવા બંગલાદેશનું અપમાન સહન કરીશું નહીં. ગુલામીના દિવસો પૂરા થઈ ગયા છે.’
ભારત-બંગલાદેશના ધાર્મિક તનાવ વચ્ચે હિન્દુ ક્રિકેટર લિટન દાસની આગેવાનીવાળી સ્ક્વૉડ જાહેર થઈ
ભારત અને શ્રીલંકામાં આયોજિત આગામી T20 વર્લ્ડ કપ 2026 માટે ગઈ કાલે ૧૫ સભ્યોની બંગલાદેશી સ્ક્વૉડ જાહેર કરવામાં આવી છે. ભારત અને બંગલાદેશ વચ્ચે હાલમાં ધાર્મિક તનાવ ચાલી રહ્યો છે. આ બધા વચ્ચે બંગાળી-હિન્દુ ફૅમિલીમાં જન્મેલા વિકેટકીપર-બૅટર લિટન દાસને T20 કૅપ્ટન તરીકે જાળવી રાખવામાં આવ્યો છે.
T20 વર્લ્ડ કપ 2024માં નઝમુલ હુસેન શાન્તોએ બંગલાદેશનું નેતૃત્વ કર્યું હતું. જોકે તેને વર્તમાન વર્લ્ડ કપ સ્ક્વૉડમાં પ્લેયર તરીકે પણ સ્થાન નથી મળ્યું. T20 વર્લ્ડ કપ 2024ની સ્ક્વૉડમાંથી ૮ પ્લેયર્સને આગામી વર્લ્ડ કપ રમવાની પણ તક મળી છે. ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાનને પણ સ્થાન મળ્યું છે જેને ભારતમાં પ્રચંડ વિરોધ વચ્ચે IPL 2026માંથી બહાર કરવામાં આવ્યો છે.


