આ ઇનામ ભારતીય ક્રિકેટના ઇતિહાસનું સૌથી મોટું બની ગયું છે
ફાઇલ તસવીર
ક્રિકેટ બોર્ડે જાહેર કરેલી આ રેકૉર્ડબ્રેક લહાણી ૨૦૨૪ કરતાં ૬ કરોડ રૂપિયા વધુ છે જે ખેલાડીઓ ઉપરાંત કોચિંગ, સપોર્ટિંગ-સ્ટાફ તેમ જ સિલેક્ટરોમાં વહેંચાશે.
ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈ કાલે T20 વર્લ્ડ કપ ૨૦૨૬માં ચૅમ્પિયન બનવા બદલ ટીમ ઇન્ડિયાને રેકૉર્ડબ્રેક ૧૩૧ કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી. આ રકમ ખેલાડીઓ, કોચિંગ-સ્ટાફ, સપોર્ટ-સ્ટાફ અને સિલેક્ટરો વચ્ચે વહેંચવામાં આવશે. આ ઇનામ ઉપરાંત ભારતીય ટીમને ચૅમ્પિયન બનવા બદલ ICC તરફથી ઇનામી રકમ તરીકે આશરે ૨૭.૪૮ કરોડ રૂપિયા પણ મળશે.
ADVERTISEMENT
આ રકમ ૨૦૨૪માં ચૅમ્પિયન ભારતીય ટીમને મળેલી રકમ કરતાં ૬ કરોડ રૂપિયા વધુ છે. ૨૦૨૪માં ક્રિકેટ બોર્ડે રોહિત ઍન્ડ કંપનીને ૧૨૫ કરોડ રૂપિયાનું ઇનામ આપ્યું હતું. એ વખતે ખેલાડીઓ અને હેડ કોચ રાહુલ દ્રવિડને પાંચ-પાંચ કરોડ રૂપિયા મળ્યા હતા.
આ ઇનામ ભારતીય ક્રિકેટના ઇતિહાસનું સૌથી મોટું બની ગયું છે.
આ ઇનામની જાહેરાત કરતા સ્ટેટમેન્ટમાં ક્રિકેટ બોર્ડના સેક્રેટરીએ ખેલાડીઓ, સપોર્ટ-સ્ટાફ અને સિલેક્ટરોને આ ઐતિહાસિક સફળતા બદલ ફરીથી અભિનંદન આપતાં લખ્યું હતું કે ‘આ જીત ભારતીય ક્રિકેટ માટે અત્યંત ગર્વની ક્ષણ છે. ટીમની મહેનત અને સમપર્ણને કારણે આજે ભારત ફરી એક વાર વિશ્વમાં ટૉપ પર છે. અમને આશા છે કે ટીમ ભવિષ્યમાં પણ આવું જ શ્રેષ્ઠ પ્રદર્શન જાળવી રાખશે’
ચૅમ્પિયન ખેલાડીઓનું ભવ્ય સ્વાગત

અમદાવાદમાં વર્લ્ડ ચૅમ્પિયન બનીને ઘરે પાછા ફરેલા લાડલા ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઈશાન કિશન ગઈ કાલે પટના પાછો ફર્યો ત્યારે તેના સ્વાગત માટે ઍરપોર્ટ પર હજારો ચાહકો ઊમટી પડ્યા હતા. પ્લેયર ઑફ સિરીઝ બનીને છવાઈ ગયેલા સંજુ સૅમસનને વધાવવા સોમવારે તિરુવનંતપુરમ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર હજારો ચાહકો પહોંચી ગયા હતા. રાજ્યના મિનિસ્ટરો પોતે તેનું સ્વાગત કરવા ઍરપોર્ટ પર પહોંચી ગયા હતા.
