ટીમ-હોટેલમાં ક્રિકેટર્સ સાથે જ ગર્લફ્રેન્ડની હાજરીથી આંતરિક બાબતો લીક થવાનું જોખમ, બોર્ડ કોઈ પણ મોટી ચૂકને રોકવા માટે સક્રિયપણે નિયમો બનાવવા તત્પર
હાર્દિક પંડ્યા ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે
ભારતીય ક્રિકેટ બોર્ડ ટૂંક સમયમાં ગર્લફ્રેન્ડ કલ્ચર પર કડક નિયમો ઘડવાની તૈયારી કરી રહ્યું છે. વર્તમાન IPL સીઝનમાં મેદાનની બહાર ખેલાડીઓનું ખાનગી જીવન હેડલાઇન્સમાં છે. સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા, ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને યુવા બૅટ્સમૅન યશસ્વી જાયસવાલ અને ઈશાન કિશન સહિત અનેક ખેલાડીઓ સાથે ગર્લફ્રેન્ડની હાજરી ચર્ચાનો મુખ્ય વિષય બની ગયો છે.
ઘણા ઓછા જાણીતા ખેલાડીઓ પણ પોતાની ગર્લફ્રેન્ડ સાથે ટ્રાવેલ કરતા જોવા મળી રહ્યા છે. આમાંની ઘણી મહિલાઓ વારંવાર ખેલાડીઓ સાથે ટીમ-બસથી લઈને ટીમ-હોટેલ સુધી દરેક જગ્યાએ જોવા મળે છે. કેટલીક ગર્લફ્રેન્ડ્સને ખેલાડીઓ સાથે હોટેલ-રૂમમાં રહેવાની મંજૂરી ટીમ તરફથી મળી છે. જોકે કેટલીક ગર્લફ્રેન્ડ્સ માત્ર સ્ટેડિયમમાં ખેલાડીઓને મળવા આવે છે.
ભારતીય ક્રિકેટ બોર્ડમાં ચર્ચા છે કે કેટલાક ખેલાડીઓની ગર્લફ્રેન્ડ સોશ્યલ મીડિયા સ્ટાર છે. એમાંથી કેટલાકે સટ્ટાબાજીની વેબસાઇટ્સનું પ્રમોશન પણ કર્યું છે. તાજેતરના સમયમાં IPLના ઘણા ખેલાડીઓ સામે તેમની મહિલા સાથીઓ દ્વારા પોલીસ-ફરિયાદો પણ દાખલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
બોર્ડમાં આતંરિક ચર્ચા થઈ છે કે ‘હોટેલમાં ખેલાડીઓ સાથે પત્નીઓ અને પરિવારના સભ્યો સાથે રહેવામાં કોઈ વાંધો નથી; જોકે આપણે ગર્લફ્રેન્ડ અંગે વધુ ગંભીર વલણ અપનાવવાની જરૂર પડશે. ટીમ કે ટુર્નામેન્ટની આંતરિક વાતો લીક થાય કે મોટી ચૂક થાય એ પહેલાં કડક નિયમો બનાવવા જરૂરી છે.’
