Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૨૦૨૧માં નંદીગ્રામની હારનું આ વખતે ભવાનીપુરમાં થયું પુનરાવર્તન

૨૦૨૧માં નંદીગ્રામની હારનું આ વખતે ભવાનીપુરમાં થયું પુનરાવર્તન

Published : 05 May, 2026 07:10 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લગાતાર બીજી વાર સુવેન્દુ અધિકારીએ મમતા બૅનરજીને આપી ધોબીપછાડ : ૪ કલાક સુધી કાઉન્ટિંગ-રૂમમાં ધમાલ કરીને મમતાએ આરોપ લગાવ્યો કે મને લાત મારીને ધક્કામુક્કી કરવામાં આવી

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને TMCનાં સુપ્રીમો મમતા બૅનરજીએ કાઉન્ટિંગ-રૂમમાંથી બહાર આવીને મીડિયા સામે ચૂંટણીપંચ વિરુદ્ધ ભડાસ કાઢી હતી. મમતા બૅનરજીને ભવાનીપુર બેઠક પરથી હરાવ્યાનું ચૂંટણી પ્રમાણપત્ર બતાવતા BJPના ઉમેદવાર સુવેન્દુ અધિકારી.

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને TMCનાં સુપ્રીમો મમતા બૅનરજીએ કાઉન્ટિંગ-રૂમમાંથી બહાર આવીને મીડિયા સામે ચૂંટણીપંચ વિરુદ્ધ ભડાસ કાઢી હતી. મમતા બૅનરજીને ભવાનીપુર બેઠક પરથી હરાવ્યાનું ચૂંટણી પ્રમાણપત્ર બતાવતા BJPના ઉમેદવાર સુવેન્દુ અધિકારી.


પશ્ચિમ બંગાળમાં BJPના સુવેન્દુ અધિકારીએ લગાતાર બીજી વાર મમતા બૅનરજીને તેમના જ ગઢમાં જબરદસ્ત હાર આપી હતી. તેમણે TMCનાં નેતાને ૧૫,૧૦૫ મતથી હરાવ્યાં હતાં. ભવાનીપુરથી મમતા બૅનરજી ૩ વાર ચૂંટણી જીતી ચૂક્યાં છે. ૨૦૧૬માં તેઓ ભવાનીપુરથી જીત્યાં હતાં અને ૨૦૧૧ તેમ જ ૨૦૨૧માં ઉપચૂંટણીમાં તેઓ આ બેઠક પરથી જીત્યાં હતાં. ભવાનીપુરમાં રાજસ્થાન, બિહાર અને ગુજરાતથી આવીને વસેલા મતદારો મોટી સંખ્યામાં છે. ભવાનીપુરમાં મારવાડી અને ગુજરાતી મતદાતાઓની સંખ્યા લગભગ બાવીસ-બાવીસ હજાર હોવાનું મનાય છે. ગઈ કાલે શરૂઆતમાં ભવાનીપુર બેઠક પર મમતા બૅનરજી આગળ હતાં, પરંતુ ધીમે-ધીમે કાઉન્ટિંગના રાઉન્ડ આગળ વધતા ગયા એમ બાજી પલટાતી ગઈ હતી. હાથમાંથી સરકતી બાજી જોઈને મમતા બૅનરજી કાઉન્ટિંગ-રૂમમાં ઘૂસી ગયાં હતાં અને લગભગ ૪ કલાક સુધી ધમાલ મચાવી હતી. કલાકો સુધી મતગણતરીનું કામ ખોરવાયું હતું.

હારનો ટોપલો ચૂંટણીપંચ પર ઢોળ્યો



પરિણામ આવે એ પહેલાં જ પોતાની હાર નિશ્ચિત દેખાતી હતી ત્યારે મમતા બૅનરજી કાઉન્ટિંગ-રૂમમાંથી બહાર આવ્યાં હતાં અને પછી ચૂંટણીપંચ અને BJP પર અઢળક આરોપો ઠાલવતાં કહ્યું હતું કે ‘મને અંદર મારવામાં આવી હતી. ધક્કા મારવામાં આવ્યા. કાઉન્ટિંગ-રૂમમાં CCTV કૅમેરા પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. BJPએ ૧૦૦થી વધુ બેઠકો લૂંટી લીધી છે. ચૂંટણીપંચ હવે BJPનું પંચ બની ગયું છે. મેં બંગાળના મુખ્ય ચૂંટણી-અધિકારી મનોજ અગ્રવાલને પણ ફરિયાદ કરી હતી, પણ કોઈ કશું નથી કરી રહ્યું. શું તમને લાગે છે કે આ જીત છે? ચૂંટણીપંચના કેન્દ્રીય અધિકારીઓ, વડા પ્રધાન અને ગૃહપ્રધાન સાથે મળીને જે કરી રહ્યા છે એ સંપૂર્ણપણે ગેરકાનૂની છે. આ લૂંટ છે, સરાસર લૂંટ છે.’ વીસમા રાઉન્ડમાં હાર પછી મમતા બૅનરજીએ ફરીથી કાઉન્ટિંગ કરવાની ડિમાન્ડ કરી હતી. 


આ હિન્દુત્વ અને નરેન્દ્ર મોદીની જીત છે  : સુવેન્દુ અધિકારી
ભવાનીપુરની બેઠક પરથી મજબૂત જીત મેળવ્યા પછી સુવેન્દુ અધિકારીએ કહ્યું હતું કે ‘આજે ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીનું સપનું સાકાર થયું. મમતા બૅનરજીને હરાવવાં જરૂરી હતાં. તેમનો રાજનીતિક સંન્યાસ થઈ ગયો છે. તેમને મુસલમાનોએ ખોબલે-ખોબલે વોટ આપ્યા, મને હિન્દુઓના આશીર્વાદ મળ્યા. આ હિન્દુત્વ અને નરેન્દ્ર મોદીની જીત છે. ૧૫ રાઉન્ડ સુધી તેમનું માર્જિન હતું. મને બંગાળી હિન્દુ વિસ્તારોએ લીડ આપી. આ ઉપરાંત સિખ, જૈન, મારવાડી અને પૂર્વાંચલના મતદારોનો પણ સાથ મળ્યો. હું સૌનો આભાર માનું છું.’

ભવાનીપુરમાં રાઉન્ડ-વાઇઝ શું થયું?


રાઉન્ડ ૧ : મમતા બૅનરજીને ૧૯૯૬ વોટથી આગળ હતાં.

રાઉન્ડ ૨ : સુવેન્દુ અધિકારી  ૧૫૫૮ વોટથી આગળ થઈ ગયા.

રાઉન્ડ ૩ : મમતા બૅનરજીએ ૮૯૮ મતોથી આગળ થઈ ગયાં.

રાઉન્ડ ૪ : મમતા બૅનરજી ૮૪૮૨ મતોથી આગળ થયાં.

રાઉન્ડ ૫  : મમતા બૅનરજી ૧૬,૭૦૫ મતોથી આગળ ચાલી રહ્યાં હતાં. આ રાઉન્ડ સુધીમાં મમતા બૅનરજીને ૨૫,૯૪૨ મત મળ્યા હતા અને સુવેન્દુ અધિકારીને ૯૨૩૬ મત મળ્યા હતા.

રાઉન્ડ ૬  : સુવેન્દુ અધિકારી કુલ ૧૯,૩૯૩ મતથી પાછળ રહી ગયા.

રાઉન્ડ ૭  : મમતા બૅનરજી આગળ જ રહ્યાં, પરંતુ મતોનું માર્જિન ઘટીને ૧૭,૩૭૧ થયું.

રાઉન્ડ ૮  : મમતા બૅનરજીની બઢતનું માર્જિન ઘટીને ૧૫,૪૯૪ મતનું થયું.

રાઉન્ડ ૯  : મમતા બૅનરજીની બઢતનું માર્જિન ઘટીને ૧૩,૮૪૨ થયું.

રાઉન્ડ ૧૦ : મમતા બૅનરજી આગળ રહ્યાં, પણ માર્જિન ઘટીને ૧૨,૧૩૧ થયું.

રાઉન્ડ ૧૧ : મમતા  બૅનરજીની લીડનું માર્જિન ઘટીને ૯૪૭૫ મતનું રહ્યું.

રાઉન્ડ ૧૨ : મમતા બૅનરજીની લીડ ઘટીને ૭૧૮૪ રહી.

રાઉન્ડ ૧૩ : મમતા બૅનરજીની લીડ ઘટીને ૫૩૪૯ રહી.

રાઉન્ડ ૧૪ : મમતા બૅનરજીની લીડ ઘટીને ૩૮૩૦ મતની રહી.

રાઉન્ડ ૧૫ : મમતા બૅનરજીની લીડ ઘટીને ૨૯૨૯ મત જ રહી. આ રાઉન્ડના અંતે મમતાને ૫૧,૩૪૩ મત મળ્યા અને સુવેન્દુ અધિકારીને ૪૮,૪૧૪ મત મળ્યા.

રાઉન્ડ ૧૬ : મમતા બૅનરજી પાછળ થઈ ગયાં અને સુવેન્દુ અધિકારીથી ૫૬૩ મત પાછળ રહી ગયાં.

રાઉન્ડ ૧૭ : આ રાઉન્ડમાં મમતા બૅનરજીને મળ્યો મોટો ઝટકો. સુવેન્દુ અધિકારીએ ૬૨૨૬ મતથી લીડ મેળવી લીધી.

રાઉન્ડ ૧૮  : સુવેન્દુ અધિકારીએ ૧૦,૯૯૪ મતની લીડ મેળવી લીધી.

રાઉન્ડ ૧૯  : સુવેન્દુ અધિકારીને મળેલા મતની લીડ વધીને ૧૫,૦૦૧ થઈ ગઈ. આ રાઉન્ડના અંતે સુવેન્દુને કુલ ૭૩,૩૯૦ મત મળ્યા અને મમતા બૅનરજીના મતની સંખ્યા ૫૮,૩૮૯ હતી.

રાઉન્ડ ૨૦ : છેલ્લા રાઉન્ડમાં સુવેન્દુ અધિકારીએ કુલ ૭૩,૯૧૭ મત સાથે ૧૫,૧૦૫ મતથી જીત મેળવી લીધી. મમતા બૅનરજીને કુલ ૫૮,૮૧૨ મત મળ્યા હતા. ત્રીજા નંબરે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના શ્રીજીબ બિસ્વાસને ૩૫૫૬ મત મળ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

05 May, 2026 07:10 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK