યંગ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે કરી ગજબની કમેન્ટ
અર્શદીપ સિંહ અને જસપ્રીત બુમરાહ
ભારતના હાઇએસ્ટ T20 વિકેટ-ટેકર બોલર અર્શદીપ સિંહે મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ માટે કરેલી એક મસ્તીભરી કમેન્ટ સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થઈ છે. બ્રૉડકાસ્ટર ટીમ સાથેના એક ઇન્ટરવ્યુમાં તેને પૂછવામાં આવ્યું કે ‘તારી વિરાટ કોહલી સાથેની રીલ ભારે વાઇરલ થઈ છે. શું જસપ્રીત બુમરાહ સાથે આવી કોઈ રીલ બનાવવાનો પ્લાન છે? તે હાલમાં ૧૦૦ T20 ઇન્ટરનૅશનલ વિકેટ લેનાર ભારતીયોની ક્લબમાં સામેલ થયો છે જ્યાંનો તું પ્રેસિડન્ટ (ટૉપ બોલર) છે.’
આ સવાલનો જવાબ આપતાં અર્શદીપે કહ્યું હતું કે ‘જસ્સીભાઈને મારા ઇન્સ્ટાગ્રામ પર આવવા માટે હજી પણ વધુ વિકેટ લેવાની જરૂર છે. તેથી જો તે તેની બોલિંગ પર કામ કરશે અને વિકેટ લેવાનું ચાલુ રાખશે તો કદાચ મારા ઇન્સ્ટાગ્રામ પર પણ આવશે.’
ભારત માટે ત્રણેય ફૉર્મેટમાં વિકેટની સદી કરનાર પહેલા બોલર જસપ્રીત બુમરાહ વિશે અર્શદીપે વધુમાં કહ્યું હતું કે ‘મારો તેની સાથે ખૂબ જ સારો સંબંધ છે. તે એક જેન્ટલ સિનિયર છે. તે યુવાનો પર ક્યારેય કઠોર થતો નથી અને હંમેશાં ખૂબ જ નમ્ર હોય છે. પંજાબી હોવાને કારણે અમારા માટે પણ એકબીજા સાથે તાલમેલ સાધવાનું સરળ બને છે. તેની સાથે બોલિંગ કરવાથી મારા માટે વસ્તુઓ સરળ બને છે, કારણ કે બૅટ્સમૅન સામાન્ય રીતે મારી ઓવરમાં આક્રમક રમવાનો પ્રયાસ કરે છે. હું ખરાબ બૉલ પર પણ વિકેટ મેળવી શકું છું, કારણ કે તેઓ જાણે છે કે તેમને બીજા છેડે (બુમરાહ સામે) સરળ રન નહીં મળે. એનાથી મને ફાયદો થાય છે. મને ખરેખર તેની સાથે બોલિંગ કરવામાં આનંદ આવે છે.’


