સેન્ટ્રલ ઝોનની જેમ પહેલી ઇનિંગ્સમાં ૨૬૬ રને ઑલઆઉટ થયું ઈસ્ટ ઝોન, બીજા દિવસના અંતે સેન્ટ્રલ ઝોને બીજી ઇનિંગ્સમાં ૪૩-૩નો સ્કોર કર્યો
વૈભવ સૂર્યવંશી
બૅન્ગલોર સ્થિત સેન્ટર ઑફ એક્સલન્સમાં પહેલી સેમી-ફાઇનલના બીજા દિવસે રોમાંચક રમત જોવા મળી હતી. પહેલા દિવસે સેન્ટ્રલ ઝોનને ૨૬૬ રને ઢેર કરનાર ઈસ્ટ ઝોન પોતે પણ પહેલી ઇનિંગ્સમાં ૫૭ ઓવર રમીને ૨૬૬ રને ઑલઆઉટ થયું હતું. બીજા દિવસના અંતે સેન્ટ્રલ ઝોને બીજી ઇનિંગ્સમાં ૨૦ ઓવર રમીને ૪૩-૩નો સ્કોર કરીને ૪૩ રનની લીડ મેળવી હતી.
બીજા દિવસે ઈસ્ટ ઝોનના ઓપનર્સે પહેલી ઇનિંગ્સની શાનદાર શરૂઆત કરી હતી. અભિમન્યુ ઈશ્વરને ૧૦૬ બૉલમાં ૮ ફોરના આધારે ૬૯ રન કર્યા હતા, જ્યારે વૈભવ સૂર્યવંશીએ ૭ ફોર અને ૭ સિક્સની મદદથી ૮૧ બૉલમાં ૯૨ રન કર્યા હતા. સ્પિનર હર્ષ દુબેની ઓવરમાં વાઇસ-કૅપ્ટન વૈભવ કૅચઆઉટ થઈને ૮ રનથી સદી ચૂક્યો હતો.
કૅપ્ટન ઈશાન કિશન ૨૭ બૉલમાં એક ફોરની મદદથી ૧૬ રન જ કરી શક્યો હતો. ઈસ્ટ ઝોને છેલ્લી સાત વિકેટ ૬૭ રનની અંદર ગુમાવી દીધી હતી. સેન્ટ્રલ ઝોન માટે સ્પિનર હર્ષ દુબેએ ૧૬ ઓવરમાં ૬૬ રન આપીને ૪ વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર યશ ઠાકુર અને આર્યન પાંડેએ ૩-૩ વિકેટ ઝડપી હતી. ફાસ્ટ બોલર અરશદ ખાન અને સ્પિનર સારાંશ જૈન વિકેટ લઈ શક્યા નહોતા.
સેન્ટ્રલ ઝોનની બીજી ઇનિંગ્સમાં ઓપનર અમન મોખડે ૫૯ બૉલમાં ૨૩ રન કરીને અણનમ રહ્યો હતો. કૅપ્ટન રજત પાટીદાર ૧૯ બૉલમાં એક ફોરની મદદથી પાંચ રન કરીને ફરી ફ્લૉપ રહ્યો હતો. તેણે પહેલી ઇનિંગ્સમાં ૪૧ બૉલમાં ૨૧ રન કર્યા હતા. ઈસ્ટ ઝોન માટે ફાસ્ટ બોલર મુકેશ કુમારે બે વિકેટ અને મોહમ્મદ શમીએ એક વિકેટ લીધી હતી.
દુલીપ ટ્રોફીનો ૫૭ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો વન્ડર-બૉય વૈભવે
ADVERTISEMENT
વૈભવ સૂર્યવંશીએ પહેલી વખત દુલીપ ટ્રોફીમાં રમીને ૪૨ બૉલમાં પહેલી ફિફ્ટી ફટકારી હતી. ૧૫ વર્ષ ૧૫૭ દિવસની ઉંમરે તે દુલીપ ટ્રોફીમાં ફિફ્ટી ફટકારનાર યંગેસ્ટ ખેલાડી બન્યો છે. તેણે ૫૭ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો છે. ૧૯૬૯માં ૧૬ વર્ષ ૨૩ દિવસની ઉંમરે લક્ષ્મણ સિંહે ફિફ્ટી ફટકારી હતી.
છેલ્લાં બે વર્ષમાં વૈભવ સાતમી વખત નર્વસ નાઇન્ટીનો શિકાર બન્યો છે. રણજી ટ્રોફી ૨૦૨૫માં તે બિહાર તરફથી મેઘાલય સામે ૬૭ બૉલમાં ૯૩ રન, અન્ડર-19 વર્લ્ડ કપ વૉર્મ-અપમાં સ્કૉટલૅન્ડ સામે ૫૦ બૉલમાં ૯૬ રન, IPL 2026માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે ૩૮ બૉલમાં ૯૩ રન, સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ૨૯ બૉલમાં ૯૭ રન, ગુજરાત ટાઇટન્સ સામે ૪૭ બૉલમાં ૯૬ રન, શ્રીલંકા A સામેની વન-ડે મૅચમાં ૨૯ બૉલમાં ૯૪ રન અને હવે દુલીપ ટ્રોફીમાં ૮૧ બૉલમાં ૯૨ રન કરીને આઉટ થયો છે.
