Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વાનખેડે સ્ટેડિયમમાં પહેલી ઇનિંગ્સમાં મુંબઈના ૪૨૯ રન સામે ચંડીગઢ માત્ર ૭૮ રનમાં ઑલઆઉટ

વાનખેડે સ્ટેડિયમમાં પહેલી ઇનિંગ્સમાં મુંબઈના ૪૨૯ રન સામે ચંડીગઢ માત્ર ૭૮ રનમાં ઑલઆઉટ

Published : 13 October, 2026 02:49 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તુષાર દેશપાંડેએ લીધી હૅટ-ટ્રિક, ફૉલો-ઑનનો સામનો કરનાર ચંડીગઢે બીજી ઇનિંગ્સમાં પહેલી જ ઓવરમાં એક વિકેટ ગુમાવી

હૅટ-ટ્રિક વિકેટ લીધા પછી સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરતો તુષાર દેશપાંડે, ફર્સ્ટ ક્લાસ-ક્રિકેટમાં છઠ્ઠી વખત પાંચ વિકેટ લીધી.

હૅટ-ટ્રિક વિકેટ લીધા પછી સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરતો તુષાર દેશપાંડે, ફર્સ્ટ ક્લાસ-ક્રિકેટમાં છઠ્ઠી વખત પાંચ વિકેટ લીધી.


વાનખેડે સ્ટેડિયમમાં નવી રણજી ટ્રોફી સીઝનની પહેલી મૅચમાં યજમાન મુંબઈએ બીજા દિવસની રમતમાં ચંડીગઢને ઘૂંટણિયે પાડી દીધું હતું. મુંબઈએ પહેલી ઇનિંગ્સમાં ૧૩૬.૫ ઓવરમાં ૪૨૯-૧૦નો સ્કોર કર્યો હતો. જવાબમાં ચંડીગઢ ૧૯.૧ ઓવરમાં ૭૮ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. ફૉલો-ઑન મળ્યાં પછી દિવસના અંતે બીજી ઇનિંગ્સમાં ચંડીગઢે એક ઓવરમાં ઝીરો પર એક વિકેટ ગુમાવી દીધી હતી. 
ગઈ કાલે મુંબઈએ ૮૫મી ઓવરમાં ૨૪૯-૫ના સ્કોર સાથે પહેલી ઇનિંગ્સ આગળ વધારી હતી. કૅપ્ટન સિદ્ધેશ લાડ બીજા દિવસે ૬ રન ઉમેરીને ૧૯૨ બૉલમાં ૯ ફોરની મદદથી ૮૬ રન કરીને બોલ્ડ થયો હતો. આઠમા ક્રમે બૅટિંગ કરીને તનુષ કોટિયને ૯૧ બૉલમાં ૫૮ રન, નવમા ક્રમે રમવા આવેલા તુષાર દેશપાંડેએ ૪૭ બૉલમાં ૪૪ રન અને દસમા ક્રમે બૅટિંગ કરનાર મોહિત અવસ્થીએ ૧૧૯ બૉલમાં અણનમ ૫૬ રન કર્યા હતા. 
ચંડીગઢ તરફથી ઓપનર અર્જુન આઝાદે ૩૩ બૉલમાં ૨૦ રન અને નવમા ક્રમે બૅટિંગ કરવા આવેલા નિશંક બિરલાએ ૧૫ બૉલમાં ૩૩ રન કર્યા હતા. ચંડીગઢે પહેલી પાંચ વિકેટ પચીસ રન અને અંતિમ પાંચ વિકેટ ૫૩ રનની અંદર ગુમાવી હતી. 
ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેએ ૭ ઓવરમાં ૧૭ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. તેણે ૧૧મી ઓવરની અંતિમ ત્રણ બૉલ પર શિવમ ભામ્બરીને બોલ્ડ, દીપેન્દ્ર કુશને કૅચઆઉટ અને કૅપ્ટન મનન વોરાને બોલ્ડ કરીને હૅટ-ટ્રિક લીધી હતી. ફાસ્ટ બોલર્સ મોહિત અવસ્થીએ ૬ ઓવરમાં ૯ રન આપીને ૩ વિકેટ અને સિલ્વેસ્ટર ડિસોઝાએ ૬.૧ ઓવરમાં ૫૧ રન આપીને બે વિકેટ લીધી હતી. 

રવીન્દ્ર જાડેજાએ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ૧૬મી સદી ફટકારી 
રાજકોટમાં રમાઈ રહેલી રણજી ટ્રોફી સીઝનની શરૂઆતની મૅચમાં સૌરાષ્ટ્રે પહેલી ઇનિંગ્સમાં ૧૧૦.૪ ઓવરમાં ૩૯૨-૧૦નો સ્કોર કર્યો હતો. બીજા દિવસના અંતે છત્તીસગઢે પહેલી ઇનિંગ્સમાં ૧૨૨-૩નો સ્કોર કરતાં હજી ૨૭૦ રનથી પાછળ છે. 
પહેલા દિવસે ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ૧૫૪ બૉલમાં અણનમ ૭૨ રનની ઇનિંગ્સ રમી હતી. પાંચમા ક્રમે બૅટિંગ કરી રહેલો રવીન્દ્ર જાડેજા બીજા દિવસે ૨૦૯ બૉલમાં ૭ ફોરની મદદથી ૧૦૨ રન કરીને કૅચઆઉટ થયો હતો. ૧૬મી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ સદી પૂરી કર્યા પછી તે પોતાના જૂના સાથી સ્પિનર ધર્મેન્દ્ર સિંહ જાડેજાની ઓવરમાં તેના હાથે જ કૅચઆઉટ થયો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2026 02:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK