સીઝનની પહેલી ટક્કરમાં હૈદરાબાદે ૧૦ રને ચેન્નઈને આપી હતી માત, મૅચનો સમય સાંજે ૭.૩૦ વાગ્યાથી
ચેન્નઈનો કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને હૈદરાબાદનો કૅપ્ટન પૅટ કમિન્સ.
IPL 2026ની ૬૨મી મૅચ આજે ચેપૉક સ્ટેડિયમમાં રમાશે. ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદને પ્લે-ઑફની રેસમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે બાકીની બન્ને મૅચમાં શાનદાર જીતની જરૂર છે. સીઝનની પહેલી ટક્કરમાં હૈદરાબાદે ૧૯૫ રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરીને ચેન્નઈને ૧૦ રને હાર આપી હતી. પૅટ કમિન્સ ઍન્ડ કંપની ૧૨ મૅચમાં ૭ જીત, પાંચમાં હાર સાથે ૧૪ પૉઇન્ટ ધરાવે છે. છેલ્લી મૅચમાં હૈદરાબાદે પોતાની સૌથી મોટી ૮૨ રનની હાર ગુજરાત સામે મેળવી હતી. ૧૨ મૅચમાં ૬ જીત અને ૬ હારને કારણે ઋતુરાજ ગાયકવાડની ટીમ ચેન્નઈ પાસે ૧૨ પૉઇન્ટ છે. લખનઉ સામે છેલ્લી મૅચમાં ૭ વિકેટની હારને કારણે ચેન્નઈનો સતત ત્રણ જીતનો સિલસિલો અટક્યો હતો.
|
બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
મૅચ |
૨૩ |
|
ચેન્નઈની જીત |
૧૫ |
|
હૈદરાબાદની જીત |
૮ |
ADVERTISEMENT
ચેપૉક સ્ટેડિયમમાં હૈદરાબાદ ૧૩ મૅચમાંથી માત્ર ૩ જીત્યું છે. ટીમને અહીં ૧૦ મૅચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ચેન્નઈ સામે હૈદરાબાદ ૬ મૅચ રમ્યું છે અને સતત પાંચ હાર બાદ ૨૦૨૫માં એણે પહેલી જીત નોંધાવી હતી. હૈદરાબાદને અહીં બાકીની બે જીત ૨૦૨૧માં પંજાબ કિંગ્સ અને ૨૦૨૪માં રાજસ્થાન રૉયલ્સ સામે મળી હતી. મ ચેન્નઈ ચેપૉક સ્ટેડિયમમાં ૮૭માંથી ૫૬ મૅચ જીતી છે, જ્યારે ૩૧ મૅચમાં હારનો સામનો કરવો પડ્યો છે. વર્તમાન સીઝનની ૬ હોમ-મૅચમાંથી ચેન્નઈ માત્ર પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ સામે એક-એક મૅચ હાર્યું છે. અહીં એપ્રિલમાં દિલ્હી અને કલકત્તાને હરાવ્યા બાદ છેલ્લી બે મૅચમાં મુંબઈ તથા લખનઉને ચેન્નઈએ કારમી હાર આપી છે.
ચેપૉકમાં સીઝનની છેલ્લી હોમ-મૅચમાં ધોની રમશે?

ધોનીએ ગઈ કાલે ચેન્નઈમાં નૅશનલ સિક્યૉરિટી ગાર્ડ્સ (NSG)ના રીજનલ કમાન્ડો હબની મુલાકાત લીધી હતી. કમાન્ડો સાથે નાસ્તો કરતી વખતે તેણે મજાકમાં પૂછ્યું હતું, ‘હું ફિટ તો દેખાઈ રહ્યો છુંને? ફાયરિંગ-રેન્જમાં ધોનીએ ગન અને રાઇફલથી શૂટિંગની પ્રૅક્ટિસ પણ કરી હતી.
ચેન્નઈ સુપર કિંગ્સનો અનુભવી બૅટર મહેન્દ્ર સિંહ ધોની IPL 2026માં સતત ૧૨ મૅચમાં રમ્યો નથી. પગની ઇન્જરી વચ્ચે તે ચેપૉક સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ-સેશનમાં ભાગ લે છે પરંતુ કોઈ પણ મૅચ દરમ્યાન ડ્રેસિંગ રૂમ અને સ્ટેડિયમમાં હાજરી આપતો નથી. આ IPL સીઝનમાં ચેન્નઈની આજે છેલ્લી હોમ-મૅચ છે, એટલે કે ચેપૉક સ્ટેડિયમમાં આ સીઝનની છેલ્લી મૅચ રમાશે. આ છેલ્લી હોમ-મૅચમાં ધોની હાજરી આપે એવી ઇચ્છા દરેક ક્રિકેટ-ફૅન્સ રાખી રહ્યા છે.
