Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કરીઅરની પહેલવહેલી સેન્ચુરી સાથે દેવદત્ત પડિક્કલનું કમાલનું કમબેક

કરીઅરની પહેલવહેલી સેન્ચુરી સાથે દેવદત્ત પડિક્કલનું કમાલનું કમબેક

Published : 16 August, 2026 12:45 PM | Modified : 16 August, 2026 12:46 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વરસાદના વિઘ્ન વચ્ચે શ્રીલંકા સિરીઝનો અને ૬૦૦મી ટેસ્ટનો પ્રથમ દિવસ ભારતના નામે, ટૉસ જીત્યા બાદ બનાવ્યા બે વિકેટે ૨૮૮ રન

૭૭ રનની ઇનિંગ્સ બાદ રાહુલ હાથમાં ઇન્જરીને લીધે પૅવિલિયન પાછો ફર્યો.

૭૭ રનની ઇનિંગ્સ બાદ રાહુલ હાથમાં ઇન્જરીને લીધે પૅવિલિયન પાછો ફર્યો.


સાઈ સુદર્શનની ઇન્જરીને લીધે બે વર્ષ બાદ તક મળતા બતાવ્યો દમ : યશસ્વી જયસ્વાલ રન આઉટ અને રાહુલ થયો રિટાયર્ડ હર્ટ 

ગઈ કાલે ગૉલમાં શ્રીલંકા સામે બે-ટેસ્ટ મૅચની સિરીઝની પહેલી ટેસ્ટ તેમ જ લૅન્ડમાર્ક ૬૦૦મી ટેસ્ટનો પ્રથમ દિવસ ભારત અને કમબૅક મૅન દેવદત્ત પડિક્કલના નામે રહ્યો હતો. અપેક્ષા પ્રમાણે જ વરસાદનું વિઘ્ન નડ્યું હતું અને એમાં ૧૭ ઓવરનો ભોગ લેવાયો હતો. ૭૩ ઓવરની રમતમાં ભારતે માત્ર બે વિકેટ ગુમાવીને ૨૮૮ રન બનાવી લીધા હતા. યશસ્વી જાયસવાલ ૩૭ બૉલમાં ૩૨ રન બનાવીને શ્રીલંકન બોલર સાથેની ટક્કરને લીધે રનઆઉટ થઈ ગયો હતો. કે. એલ. રાહુલ ૧૬૧ બૉલમાં એક સિક્સર અને ૯ ફોર સાથે ૭૭ રન બનાવીને હાથના સ્નાયુ ખેંચાઈ જવાને લીધે રિટાયર્ડ હટ થઈને પૅવિલિયન પાછો આવી ગયો હતો. કૅપ્ટન શુભમન ગિલ માત્ર ૧૬ રન બનાવી શક્યો હતો. દિવસના અંતે દેવદત્ત પડિક્કલ ૧૩૧ અને રિષભ પંત ૨૭ રન બનાવીને અણનમ રહ્યા હતા.



૨૪ વર્ષના દુકાળનો અંત


સાઈ સુદર્શન ઇન્જર્ડ થતાં બે વર્ષ બાદ ટીમમાં કમબૅક કરી રહેલો પડિક્કલ કરીઅરની પ્રથમ સેન્ચુરી (૧૭૮ બૉલમાં એક સિક્સર અને ૧૨ ફોર સાથે અણનમ ૧૩૧ રન) ફટકારીને છવાઈ ગયો હતો. આ સદી સાથે ટીમમાં સ્થાન મજબૂત કરવા ઉપરાંત બે રેકૉર્ડ પણ તેણે બનાવી લીધા હતાં. ૨૧મી સદીમાં પડિક્કલ ત્રીજા ક્રમાંકે રમીને સેન્ચુરી ફટકારનાર બીજો ભારતીય લેફ્ટી બૅટર બન્યો હતો. ૨૦૦૨માં સૌરવ ગાંગુલીએ ઝિમ્બાબ્વે સામે વન-ડાઉન તરીકે રમીને દિલ્હીમાં ૧૩૬ રન બનાવ્યા હતા. ઉપરાંત આ ક્રમાંકે ૧૯ ટેસ્ટ બાદ કોઈ ભારતીય બૅટરની સેન્ચુરી જોવા મળી હતી. છેલ્લે ૨૦૨૪માં શુભમન ગિલે ચેન્નઈમાં આ કમાલ કરી હતી.

જાયસવાલનો રનઆઉટ ડ્રામા


જાયસવાલ ૩૨ રન બનાવીને જામી રહ્યો હતો ત્યારે રાહુલના એક રનના કૉલ પર રન લેવા દોડતી વખતે બોલર સાથે અથડાઈને પડી ગયો હતો. રાહુલ અડધી ક્રીઝ પર પહોંચીને જાયસવાલને પડી જતો જોઈને પાછો ક્રીઝ પર જવા માગતો હતો, પણ પછી તે દોડી ગયો હતો. અસમંજસમાં આવી ગયેલો જાયસવાલ અને રાહુલ એક જ ક્રીઝમાં ભેગા થઈ ગયા હતા. ફીલ્ડરે બૉલ વિકેટકીપરને થ્રો કર્યો અને વિકેટકીપરે થોડી વાર કૅપ્ટન સામે જોઈને આઉટ કરવો કે નહીં એની સ્પષ્ટતા મેળવ્યા બાદ આઉટ કર્યો હતો. જાયસવાલ બોલર સાથેની ટક્કરને લીધે પડી ગયો હોવાથી ખેલભાવના બતાવવા શ્રીલંકનો તેને આઉટ કરવા નહોતા માગતા, પણ જાયસવાલ પડ્યા બાદ પણ રન લેવા માગતો હોવાનું લાગતાં નિર્ણય બદલીને આઉટ કરી દીધો હતો.

૩૦ મૅચ, ૩૦ મેદાન

જાયસવાલ ગઈ કાલે મેદાનમાં ઊતરતાંની સાથે ટેસ્ટ-કરીઅરની પહેલી ૩૦ મૅચ જુદા-જુદા મેદાનમાં રમનાર ખેલાડીઓની ક્લબમાં સામેલ થઈ ગયો હતો. ૨૦૨૩માં ટેસ્ટ-કરીઅરની શરૂઆત કરનાર જાયસવાલે આ ગૉલ સહિતની ૩૦ મૅચ જુદા-જુદા મેદાનમાં જ રમી છે. ભારતીયોમાં સંજય માંજરેકર શરૂઆતની ૩૩ મૅચ અને સચિ‌ન તેન્ડુકલર ૩૨ મૅચ આવી રીતે અલગ-અલગ મૅદાનમાં રમ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

16 August, 2026 12:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK