ડૉક્ટર બનવાનું માંડી વાળીને બૅન્ગલોરમાં રાહુલ દ્રવિડ ક્રિકેટ ઍકૅડેમીમાં જોડાયો હતો અને ૧૭ વર્ષની ઉંમરથી રાજસ્થાનનો નેટ-બોલર હતો
યશરાજ પુંજા
યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના અબુ ધાબીમાં જન્મેલા ૬ ફુટ પાંચ ઇંચ ઊંચાઈ ધરાવતા યશરાજ પુંજાએ રાજસ્થાન રૉયલ્સ માટે તાજેતરમાં ડેબ્યુ કર્યું છે. ૧૯ વર્ષના આ રાઇટ આર્મ લેગ-સ્પિનરે કલકત્તા સામેની પહેલી જ મૅચમાં ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રમીને ૪ ઓવરમાં પચીસ રન આપીને રમણદીપ સિંહને બોલ્ડ કર્યો હતો. તેના મોટા ભાઈ યોધિન પુંજાએ ૨૦૧૫માં ૧૬ વર્ષ ૨૦૬ દિવસની ઉંમરે UAEના યંગેસ્ટ ક્રિકેટર તરીકે ડેબ્યુ કર્યું હતુ. ત્યાર બાદ તે ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમ્યો નથી. મીડિયમ ફાસ્ટ બોલર રહેલા મોટા ભાઈની સલાહ માનીને યશરાજ ફાસ્ટ બોલરમાંથી લેગ-સ્પિનર બન્યો હતો. ભારતીય મૂળનાં મમ્મી-પપ્પાએ યશરાજને ઇંગ્લૅન્ડમાં ડૉક્ટર બનવાનો અથવા બૅન્ગલોર જઈને ક્રિકેટર બનવાનો વિકલ્પ આપ્યો હતો. એ પછી તેણે ૨૦૨૩માં ૧૭ વર્ષની ઉંમરે બૅન્ગલોર શિફ્ટ થઈને રાહુલ દ્રવિડ ક્રિકેટ ઍકૅડેમીમાં જોડાવાનું નક્કી કર્યું હતું. રાહુલ દ્રવિડના સૂચનથી તે છેલ્લાં બે વર્ષથી રાજસ્થાનની ટીમમાં નેટ-બોલર હતો. કર્ણાટકની મહારાજા T20 ટ્રોફી 2025માં તેણે ૧૦ મૅચમાં ૨૩ વિકેટ લઈને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. વર્તમાન સીઝનમાં તે રાજસ્થાન માટે ૩૦ લાખ રૂપિયામાં રમી રહ્યો છે.
