ફાઇનલના મૅન ઑફ ધ મૅચ ઉપરાંત પ્લેયર ઑફ ધ સિરીઝ અને બેસ્ટ બોલરનો અવૉર્ડ જીતીને ઘાટકોપર ફ્રેન્ડ્સ સર્કલનો આદિત્ય રાજગોર છવાઈ ગયો હતો
ચૅમ્પિયન ટીમ ઘાટકોપર ફ્રેન્ડ્સ સર્કલ
રાજકોટ ક્રિકેટ બ્રધર્સ (RCB) દ્વારા મુંબઈના કચ્છી રાજગોર જ્ઞાતિજનો માટે પહેલી વાર યોજાયેલી ટેનિસ બૉલ ઓવરઆર્મ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ઘાટકોપર ફ્રેન્ડ્સ સર્કલ ટીમે જીતી લીધી હતી. ગયા શનિવારે સાંજે ૬ વાગ્યાથી રવિવાર સવારે ૭ વાગ્યા દરમ્યાન વિરાર-વેસ્ટના નારંગી ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલી આ ટુર્નામેન્ટમાં કુલ ૮ ટીમ વચ્ચે લીગ રાઉન્ડની અને ત્યાર બાદ સેમી-ફાઇનલની ટક્કર બાદ ઘાટકોપર ફ્રેન્ડ્સ સર્કલ અને ઓશિવરાની ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં ઘાટકોપર ફ્રેન્ડ્સ સર્કલે ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સમયમર્યાદાને લીધે ફાઇનલ ૩-૩ ઓવરની જ રમાડવામાં આવી હતી. ઓશિવરા ટીમે ૩ ઓવરમાં ૨૬ રન બનાવ્યા હતા અને ઘાટકોપર ફ્રેન્ડ્સ સર્કલે ૨૭ રનનો ટાર્ગેટ બે જ ઓવરમાં હાંસલ કરીને સ્વ. હિનાબહેન સ્મૃતિ કપ જીતી લીધો હતો.
ફાઇનલના મૅન ઑફ ધ મૅચ ઉપરાંત પ્લેયર ઑફ ધ સિરીઝ અને બેસ્ટ બોલરનો અવૉર્ડ જીતીને ઘાટકોપર ફ્રેન્ડ્સ સર્કલનો આદિત્ય રાજગોર છવાઈ ગયો હતો. બેસ્ટ બોલર ઓશિવરા ટીમનો રિન્કુ રાજગોર અને બેસ્ટ ફીલ્ડર ઘાટકોપર ફ્રેન્ડ્સ સર્કલનો અશ્વિન રાજગોર બન્યા હતા.
ADVERTISEMENT
કચ્છી રાજગોર સમાજની આ ૪૦મી ટુર્નામેન્ટ હતી અને પહેલી વાર પ્રથમ વખત ટેનિસ બૉલ ઓવર આર્મ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હોવાથી આ ટુર્નામેન્ટને નિહાળવા સમસ્ત મુંબઈ કચ્છી રાજગોર સમાજમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા અને ઘણા બધા લોકોએ આ ટુર્નામેન્ટને યુટ્યુબ પર લાઇવ નિહાળી હતી.
આ સંપૂર્ણ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન RCB મંડળ દ્વારા ખૂબ સફળ અને સુંદર રીતે પાર પાડવામાં આવ્યું હતું.


