હરભજને ૧૫ વર્ષના બૅટર સામે બોલરોને આપ્યો મંત્ર, જસપ્રીત બુમરાહ સહિતના દિગ્ગજ બોલરોને પહેલા બૉલે સિક્સર ફટકારીને વૈભવ સૂર્યવંશી ક્રિકેટજગતમાં છવાઈ ગયો છે અને તેને કેવી રીતે કાબૂમાં રાખવો એ વિશે તેણે બધાને વિચારતા કરી દીધા છે.
વૈભવ સૂર્યવંશીને જો કાબૂમાં રાખવો હોય તો કરો આક્રમણ
જસપ્રીત બુમરાહ સહિતના દિગ્ગજ બોલરોને પહેલા બૉલે સિક્સર ફટકારીને વૈભવ સૂર્યવંશી ક્રિકેટજગતમાં છવાઈ ગયો છે અને તેને કેવી રીતે કાબૂમાં રાખવો એ વિશે તેણે બધાને વિચારતા કરી દીધા છે. ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહે બોલરોને જેવા સાથે તેવાની નીતિ અપનાવીને તેની સામે આક્રમક બનવાની સલાહ આપી છે.
વૈભવને એક અદ્ભુત ખેલાડી ગણાવીને એક પૉડકાસ્ટ પરના ઇન્ટરવ્યુમાં ભજ્જીએ કહ્યું હતું કે ‘તે એક અનોખો ખેલાડી છે. ૧૪-૧૫ વર્ષની ઉંમરે કોઈ ખેલાડીને ક્રિકેટજગતમાં આવો દબદબો જમાવતાં મેં ક્યારેય જોયો નથી. આજે દુનિયાના ટૉપના બોલરોને તેની સામે બૉલ ફેંકતાં પહેલાં વિચાર કરવો પડે છે એ જ તેનો પ્રભાવ બતાવે છે. બોલરો માટે હવે બચવાનો એક જ ઉપાય છે, તેની સામે બચવાનો નહીં પણ આક્રમક બની તેને આઉટ કરવાનો પ્રયાસ કરે. આમાં તમે દરેક વખતે સફળ નહીં થાઓ. તમારી ધુલાઈ પણ થઈ શકે છે, પણ એ રમતનો જ એક ભાગ છે અને એનો તમારે સ્વીકાર કરવો જ રહ્યો.’
તમે વૈભવ સામે કેવી રીતે બોલિંગ કરી હોત એવા સવાલના જવાબમાં હરભજને કહ્યું હતું, ‘મેં તે જે રીતે રમી રહ્યો છે એ પ્રમાણે નહીં પણ હું કેવી બોલિંગ કરવાનો છું એ પ્રમાણે ફીલ્ડિંગ ગોઠવી હોત. તમે બચવા માટે બોલિંગ કરશો ત્યારે તમે ક્યારેય તેને આઉટ નહીં કરી શકો.’
