કૅપ્ટન તરીકે સૌથી વધુ ૭૭ મૅચ જીતી, ઑસ્ટ્રેલિયન કૅપ્ટન મેગ લૅનિંગ ૭૬ મૅચ જીતી છે : જોકે બન્નેમાં મોટો તફાવત એ છે કે હરમનપ્રીત ૧૩૦માંથી ૭૭ મૅચ જીતી છે, જ્યારે લૅનિંગ માત્ર ૧૦૦માંથી ૭૬ મૅચ જીતી છે
હરમનપ્રીત કૌર
શ્રીલંકા સામે શુક્રવારે ૮ વિકેટે જીત નોંધાવીને ભારતીય ટીમે પાંચ T20 મૅચની સિરીઝમાં ૩-૦થી અજેય લીડ મેળવી હતી. શ્રીલંકા સામે ભારતે સતત ચોથી T20 સિરીઝ જીતી છે. આ જીત સાથે ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર વિમેન્સ T20ની સૌથી સફળ કૅપ્ટન બની ગઈ છે. તેણે સૌથી વધુ ૪ T20 વર્લ્ડ કપ જીતનાર ઑસ્ટ્રેલિયન કૅપ્ટન મેગ લૅનિંગને પછાડીને આ ખિતાબ મેળવ્યો છે.
હરમનપ્રીત કૌરે કૅપ્ટન તરીકે ૧૩૦ T20 મૅચમાંથી હવે ૭૭ જીત નોંધાવી છે. ૪૮ હાર અને પાંચ નો-રિઝલ્ટ મૅચને કારણે તેની જીતની ટકાવારી ૫૮.૪૬ ટકા છે. ઑસ્ટ્રેલિયાની ભૂતપૂર્વ કૅપ્ટન મેગ લૅનિંગે ૧૦૦ મૅચમાંથી ૭૬ જીત મેળવી છે જેમાં ફક્ત ૧૮ હાર, એક ટાઇ અને પાંચ નો-રિઝલ્ટ મૅચનો સમાવેશ થાય છે. તેની જીતની ટકાવારી જોકે હરમનપ્રીત કરતાં વધુ, ૭૬ ટકા છે.
વન-ડે વર્લ્ડ કપ પછી અમે ચર્ચા કરી હતી કે અમારે અમારા સ્ટૅન્ડર્ડ વધારવાની અને T20માં વધુ આક્રમક બનવાની જરૂર છે, કારણ કે T20 વર્લ્ડ કપ આવી રહ્યો છે. એથી અમે આ સિરીઝમાં અમારા પ્રદર્શનથી ખૂબ ખુશ છીએ. - ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર
ADVERTISEMENT
વિમેન્સ T20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં એક હરીફ ટીમ સામે કૅપ્ટન તરીકે સૌથી વધુ મૅચ જીતવાનો રેકૉર્ડ પણ હરમનપ્રીત કૌરના નામે છે. તેણે શ્રીલંકા સામે ૨૦માંથી ૧૬ મૅચ કૅપ્ટન તરીકે જીતી છે.


