મુંબઈ ઇન્ડિયન્સની પ્રથમ હાર પછી સતત બીજી જીત
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
વિમેન્સ પ્રીમિયર લીગની છઠ્ઠી મૅચમાં ગઈ કાલે મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને આ સીઝનમાં પહેલા પરાજયનો સામનો કરાવ્યો હતો. ગુજરાતે ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૯૨ રનનો સારો સ્કોર ઊભો કર્યો હતો, પણ મુંબઈએ છેલ્લી ઓવરમાં ૪ બૉલ બાકી હતા ત્યારે માત્ર ત્રણ વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ગુજરાત સતત બે મૅચ જીત્યા પછી પહેલી વાર હાર્યું હતું, જ્યારે મુંબઈએ પહેલી મૅચ ગુમાવ્યા પછી આ સતત બીજી જીત મેળવી હતી.
મુંબઈ વતી ગઈ કાલે કૅપ્ટન હરમનપ્રીત કૌર મૅચવિનિંગ ઇનિંગ્સ રમી હતી. ૩૭ રનના સ્કોર પર બે વિકેટ પડી ગઈ ત્યારે રમવા આવેલી હરમનપ્રીતે ૪૩ બૉલમાં બે સિક્સ અને ૭ ફોરની મદદથી ૭૧ અણનમ રન કર્યા હતા. વન-ડાઉન બૅટર અમનજોત કૌરે (૨૬ બૉલમાં ૪૦ રન) તેને સારો સાથ આપ્યો હતો. ચોથી વિકેટ માટે પછી ઑસ્ટ્રેલિયન નિકોલા કૅરીએ ૨૩ બૉલમાં ૩૮ રન કરીને હરમનપ્રીત સાથે વિજય નિશ્ચિત કર્યો હતો.
આજે યુપી વૉરિયર્સ અને દિલ્હી કૅપિટલ્સની ટક્કર થશે. આ બન્ને ટીમો પોતાની બન્ને મૅચો હારી ચૂકી છે.


