Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હરમનપ્રીત કૌરે અચાનક કૅપ્ટન્સી છોડી દીધી

હરમનપ્રીત કૌરે અચાનક કૅપ્ટન્સી છોડી દીધી

Published : 07 October, 2026 11:34 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય વિમેન્સ ટીમના ઐતિહાસિક વન-ડે વર્લ્ડ કપ વિજયની પહેલી વર્ષગાંઠ પહેલાં આવ્યા ચોંકાવનારા સમાચાર : હરમનપ્રીત કૌરનો યુગ સમાપ્ત, સ્મૃતિ માન્ધના નવી કૅપ્ટન

હરમનપ્રીત કૌરનો યુગ સમાપ્ત

હરમનપ્રીત કૌરનો યુગ સમાપ્ત


હરમનપ્રીત કૌરે રમતનાં તમામ ફૉર્મેટમાં ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમના કૅપ્ટનપદેથી રાજીનામું આપી દીધું છે. ભારતીય ક્રિકેટ બોર્ડે સોમવારે ગુવાહાટીમાં ભારતીય મહિલા ટીમની સમીક્ષાબેઠક યોજી હતી જેમાં હરમનપ્રીત કૌર, વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધના અને હેડ કોચ અમોલ મુઝુમદારે હાજરી આપી હતી. આ બેઠકમાં આગળની ટુર્નામેન્ટોને ધ્યાનમાં રાખીને હરમનપ્રીત કૌરના કૅપ્ટન્સીના કાર્યકાળને સમાપ્ત કરવાનો નિર્ણય લેવાયો હતો.

અહેવાલો અનુસાર હરમનને વન-ડે અને ટેસ્ટ-ફૉર્મેટમાં કૅપ્ટન્સી ચાલુ રાખવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. જોકે તેણે તમામ ફૉર્મેટમાંથી કૅપ્ટન્સી છોડવાનું પસંદ કર્યું હતું.



હરમનપ્રીત કૌરને હટાવવાની વાતો આ વર્ષની શરૂઆતમાં મહિલા T20 વર્લ્ડ કપ પછી શરૂ થઈ હતી જ્યાં ભારત ઇંગ્લૅન્ડમાં નૉકઆઉટ માટે ક્વૉલિફાય થવામાં નિષ્ફળ ગયું હતું. જોકે ભારતીય ટીમે ત્યાર પછી હરમનની આગેવાનીમાં એશિયા કપ અને એશિયન ગેમ્સનું ટાઇટલ જીત્યું હતું.


પંજાબની ૩૭ વર્ષની હરમનપ્રીત કૌરે ગઈ કાલે સવારે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર લખ્યું, ‘આજે હું તમામ ફૉર્મેટમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કૅપ્ટન્સી છોડી રહી છું. આ કોઈ સરળ નિર્ણય નથી. એમાં વર્ષોની યાદો, લાગણીઓ, બલિદાન અને ક્ષણો શામેલ છે જે મારા બાકીના જીવન માટે મારી સાથે રહેશે.’

૨૧૧ ઇન્ટરનૅશનલ મૅચોમાં ભારત માટે કૅપ્ટન્સી કરનાર હરમનપ્રીત કૌરે આગળ લખ્યું, ‘મેં આ ટીમ અને ભારતીય મહિલા ક્રિકેટને બધું જ આપ્યું છે - મારું લોહી, મારો પરસેવો, મારો સમય, અને ક્યારેક, મારી રમતનો એક ભાગ અને વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા. એવી ક્ષણો આવી જ્યારે મારે મારા વ્યક્તિગત પ્રદર્શન, મારી વૃદ્ધિ અને હું મારા માટે શું ઇચ્છતી હતી એ બાજુ પર રાખવું પડ્યું, કારણ કે હું માનતી હતી કે ટીમ પહેલાં આવવી જોઈએ.’


હરમનપ્રીત કૌરે વધુમાં લખ્યું, ‘કૅપ્ટન્સી આજે સમાપ્ત થઈ શકે છે પરંતુ ભારતીય ક્રિકેટ માટેનો મારો પ્રેમ ક્યારેય સમાપ્ત થશે નહીં. હવે હું રમતના પ્રેમ માટે ફરીથી રમવા માટે તૈયાર છું. હું આજે ભારે હૃદય સાથે કૅપ્ટન્સી છોડી રહી છું પરંતુ મનમાં શાંતિ સાથે; કારણ કે હું ખરેખર માનું છું કે મારી ટીમ સારી જગ્યાએ છે. પ્રતિભા, ચારિત્ર્ય, વિશ્વાસ અને ભવિષ્ય ધરાવતી ટીમ જેને જોવા અને એનો ભાગ બનવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું.’

કૅપ્ટન હરમપ્રીત કૌરની સિદ્ધિઓ

હરમનને ૨૦૧૨થી જ સ્ટૅન્ડ-ઇન કૅપ્ટન તરીકેની જવાબદારીઓ મળતી હતી. ૨૦૧૬માં તેને T20 ફૉર્મેટની અને ૨૦૨૨માં મિતાલી રાજની નિવૃત્તિ પછી ત્રણેય ફૉર્મેટની રેગ્યુલર કૅપ્ટન જાહેર કરવામાં આવી હતી. ઑસ્ટ્રેલિયા માટે પાંચ વર્લ્ડ કપ જીતનાર અને ૧૪૬ ઇન્ટરનૅશનલ મૅચ જીતનાર મેગ લૅનિંગ પછી હરમનપ્રીત કૌર ૧૨૬ જીત સાથે વિમેન્સ ક્રિકેટની સૌથી સફળ કૅપ્ટન છે.

હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતે ૨૦૧૨, ૨૦૧૬, ૨૦૨૨, ૨૦૨૬નો એશિયા કપ જીત્યો, એશિયન ગેમ્સમાં બૅક-ટુ-બૅક ગોલ્ડ મેડલ જીત્યા અને કૉમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો. તેણે ભારતીય વિમેન્સ ટીમને વન-ડે વર્લ્ડ કપ 2025 રૂપે પહેલું ગ્લોબલ ટાઇટલ જિતાડી આપ્યું હતું. આગામી ત્રણ નવેમ્બરે આ ઐતિહાસિક સિદ્ધિની પહેલી વર્ષગાંઠ છે.

ત્રણેય ફૉર્મેટમાં કૅપ્ટન હરમનપ્રીત કૌરની જીતની ટકાવારી

ટેસ્ટ : ૫ મૅચમાં ૪ જીત, એક હાર (૮૦ ટકા)
વન-ડે : ૫૧ મૅચમાં ૩૦ જીત, ૧૯ હાર (૫૮.૮૨ ટકા)
T20 : ૧૫૫ મૅચમાં ૯૨ જીત, ૫૭ હાર (૫૯.૩૫  ટકા)

સ્મૃતિ માન્ધના હવે વિમેન્સ ક્રિકેટ ટીમની નવી લીડર

ગુવાહાટીમાં ગઈ કાલે સચિવ દેવજિત સૈકિયાએ વિમેન્સ સિલેક્શન કમિટી સાથે પણ મીટિંગ કરી હતી જેમાં સ્મૃતિ માન્ધના પણ જોવા મળી હતી

મહારાષ્ટ્રની ૩૦ વર્ષની શાનદાર બૅટર સ્મૃતિ માન્ધનાને ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમમાં પ્રમોશન મળ્યું છે. ગઈ કાલે રાતે ભારતીય ક્રિકેટ બોર્ડે સ્મૃતિ માન્ધનાને વાઇસ-કૅપ્ટનમાંથી ઑલ-ફૉર્મેટ રેગ્યુલર કૅપ્ટન જાહેર કરી હતી. ભારતની વિમેન્સ પ્રીમિયર લીગમાં સ્મૃતિ માન્ધનાએ કૅપ્ટન હરમનપ્રીત કૌરની જેમ બે ટાઇટલ જીત્યાxં છે.

૨૦૧૯થી રેગ્યુલર કૅપ્ટન્સની ગેરહાજરીમાં સ્મૃતિ માન્ધનાએ ઘણી મૅચમાં સ્ટૅન્ડ-ઇન કૅપ્ટનની ભૂમિકા ભજવી હતી. તેની આગેવાનીમાં ભારત ૪ વન-ડે મૅચમાંથી ૪ મૅચ અને ૧૮ T20 મૅચમાંથી ૧૧ મૅચ જીત્યું છે.  

ભારતીય વિમેન્સ ટીમ હવે ૧૬થી ૨૮ ઑક્ટોબર દરમ્યાન ઘરઆંગણે ઝિમ્બાબ્વે સામે વાઇટ-બૉલ સિરીઝ રમશે. ગઈ કાલે આ સિરીઝ માટે જાહેરાત થયેલી સ્કવૉડમાં શફાલી વર્મા T20 અને દીપ્તિ શર્મા વન-ડે ટીમની વાઇસ-કૅપ્ટન બની હતી. આ બન્ને સ્ક્વૉડમાં હરમનપ્રીત કૌર સામેલ હતી. 

Whatsapp-channel Whatsapp-channel

07 October, 2026 11:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK