સાઉથ આફ્રિકાએ ૧૫૪ રનનો ટાર્ગેટ ૧૭.૫ ઓવરમાં ચેઝ કરી પાંચ વિકેટે જીત મેળવી, કૅપ્ટન સિકંદર રઝાએ ૭૩ રન ફટકારવાની સાથે ૩ વિકેટ લીધી
ડેવાલ્ડ બ્રેવિસે સાઉથ આફ્રિકા માટે ૪૨ રનની મોટી ઇનિંગ્સ રમી હતી
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ગઈ કાલે બપોરની સુપર 8 મૅચમાં અજેય સાઉથ આફ્રિકાએ ઝિમ્બાબ્વેને પાંચ વિકેટે હરાવ્યું હતું. ઝિમ્બાબ્વેએ ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૧૭૩ રન કર્યા હતા, એમાંથી ૫૦ ટકા રન કૅપ્ટન સિકંદર રઝાના હતા. જવાબમાં સાઉથ આફ્રિકા ૧૭.૫ ઓવરમાં પાંચ વિકેટે ૧૫૪ રનનો ટાર્ગેટ ચેઝ કરીને વિજયરથ અટકાવ્યા વગર સેમી-ફાઇનલ તરફ આગળ વધ્યું હતું.
ઝિમ્બાબ્વેએ ૧૧.૪ ઓવરમાં ૮૭ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ચોથા ક્રમે બૅટિંગ કરવા આવેલા કૅપ્ટન સિકંદર રઝાએ ૧૬૯.૭૭ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ટીમને સન્માનજનક સ્કોર અપાવ્યો હતો. તેણે ૪૩ બૉલમાં ૮ ફોર અને ૪ સિક્સની મદદથી ૭૩ રન ફટકાર્યા હતા. સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર્સ ક્વેના માફાકા અને કૉર્બિન બૉર્શને ૨-૨ વિકેટ મળી હતી. ફાસ્ટ બોલર લુન્ગી ઍન્ગિડી સહિત અન્ય ૩ બોલર્સને ૧-૧ વિકેટ મળી હતી.
ADVERTISEMENT
સાઉથ આફ્રિકાએ રન-ચેઝ દરમ્યાન ૧૦.૪ ઓવરમાં ૧૦૧ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ડેવાલ્ડ બ્રેવિસે ૨૩૩.૩૩ના સ્ટ્રાઇક-રેટથી ટીમ માટે મોટી ઇનિંગ્સ રમી હતી. તેણે ૧૮ બૉલમાં બે ફોર અને ૪ સિક્સના આધારે ૪૨ રન ફટકાર્યા હતા. ઝિમ્બાબ્વેના સ્પિનર સિકંદર રઝાએ ૪ ઓવરમાં ૨૯ રન આપીને સૌથી વધુ ૩ વિકેટ લીધી હતી.
૧૪ વર્ષ બાદ T20 વર્લ્ડ કપમાં હારેલી ટીમનો ખેલાડી પ્લેયર ઑફ ધ મૅચ બન્યો
T20 વર્લ્ડ કપ ઇતિહાસમાં ઑસ્ટ્રેલિયાનો શેન વૉટ્સન પહેલો ખેલાડી હતો જે હારેલી મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. તેના પછી ૧૪ વર્ષ બાદ ગઈ કાલે સિકંદર રઝા સાથે આ ઘટના બની હતી. શેન વૉટ્સને ૨૦૧૨માં કોલંબોમાં ભારત સામે ૩૪ રન આપીને ૩ વિકેટ લીધી હતી અને ૪૨ બૉલમાં ૭૨ રન પણ કર્યા હતા. સિકંદર રઝાએ પણ મૅચ બાદ ખુલાસો કર્યો કે તે પોતાની કરીઅરમાં પહેલી વખત હારેલી મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીત્યો છે.
