હેડ કોચ ગૌતમ ગંભીર પોતાની પહેલી ટૂર પર એક સિરીઝ જીત્યો અને એક હાર્યો
ભારત સામે ૨-૦થી સિરીઝ જીતી ગયા બાદ ખુશખુશાલ ચૅમ્પિયન શ્રીલંકન ટીમ
ગઈ કાલે શ્રીલંકા સામે વન-ડે સિરીઝ બરાબર કરવાના ઇરાદા સાથે ઊતરેલી ભારતીય ટીમે ત્રીજી મૅચમાં ૧૧૦ રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રીલંકાએ પહેલી બૅટિંગ કરીને ૭ વિકેટે ૨૪૮ રન કર્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમ ૨૬.૧ ઓવરમાં ૧૩૮ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. નવા હેડ કોચ ગૌતમ ગંભીરે શ્રીલંકા ટૂર પર પહેલી T20 સિરીઝ જીત સાથે પહેલી વન-ડે સિરીઝમાં હાર પણ જોવી પડી છે. પહેલી મૅચ ટાઇ થયા બાદ યજમાન ટીમ શ્રીલંકાએ ૨-૦થી લીડ મેળવીને સિરીઝ જીતી લીધી હતી.
આ પહેલાં શ્રીલંકન ટીમે ૧૯૯૭માં ભારત સામે વન-ડે સિરીઝ જીતી હતી. રોહિત શર્માએ એક શરમજનક લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. તે સચિન તેન્ડુલકર અને મોહમ્મદ અઝહરુદ્દીન બાદ શ્રીલંકા સામે વન-ડે સિરીઝ હારનાર ત્રીજો ભારતીય કૅપ્ટન બન્યો છે. ૨૭ વર્ષ બાદ ભારતીય ટીમ સામે વન-ડે સિરીઝ જીતનાર શ્રીલંકન ટીમના સ્પિનર્સે આ સિરીઝમાં ૨૭ વિકેટ લીધી હતી. આ સાથે દ્વિપક્ષીય વન-ડે સિરીઝમાં ભારતીય ટીમ સ્પિનર્સ સામે સૌથી વધુ વિકેટ ગુમાવનાર ટીમ બની ગઈ હતી.
ADVERTISEMENT
ગઈ કાલે ૯૬ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમનાર ઓપનર અવિશ્કા ફર્નાન્ડો પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. શ્રીલંકન સ્પિનર દુનિથ વેલાલગેએ ૫.૧ ઓવરમાં ૨૭ રન આપીને પાંચ વિકેટ ઝડપી ભારતીય ટીમની બૅટિંગ યુનિટની કમર તોડી હતી. આખી સિરીઝમાં ૧૦૮ રન બનાવીને કુલ સાત વિકેટ લેનાર આ ઑલરાઉન્ડર પ્લેયર ઑફ ધ સિરીઝ પણ બન્યો હતો. ૨૦ મહિના બાદ વન-ડેમાં વાપસી કરનાર રિષભ પંત માત્ર ૬ રન બનાવીને આઉટ થયો હતો.
આૅલરાઉન્ડર રિયાન પરાગ ભારતનો ૨૫૬મો વન-ડે પ્લેયર બન્યો
ઝિમ્બાબ્વે સામે T20 ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરનાર રિયાન પરાગે શ્રીલંકા ટૂરની અંતિમ મૅચમાં વન-ડે ડેબ્યુ કર્યું હતું. તેને પોતાના આદર્શ વિરાટ કોહલી પાસેથી વન-ડે કૅપ મળી હતી. બાવીસ વર્ષનો રિયાન પરાગ ભારતનો ૨૫૬મો વન-ડે પ્લેયર બન્યો હતો. તેણે ભારત તરફથી ૯ ઓવરમાં ૫૪ રન આપીને સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપીને આ ડેબ્યુને યાદગાર બનાવ્યો હતો. જોકે તે બૅટથી બે ચોગ્ગાની મદદથી ૧૩ બૉલમાં માત્ર ૧૫ રન બનાવી શક્યો હતો. શ્રીલંકા ટૂરથી તે ઑલરાઉન્ડર ખેલાડીની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. અંતિમ વન-ડેમાં કે. એલ. રાહુલને ડ્રૉપ કરીને રિષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, જ્યારે અર્શદીપ સિંહને બેસાડીને રિયાન પરાગને તક આપવામાં આવી હતી.