ત્રીજી વન-ડે મૅચમાં ૧૩૨ રનના ટાર્ગેટને ૧૭ ઓવરમાં ચેઝ કરી લીધો, ૨૦ વર્ષની વૈષ્ણવી શર્માએ વન-ડેમાં પહેલી જ વખત પાંચ વિકેટ લઈને તરખાટ મચાવ્યો.
ઝિમ્બાબ્વે સામે ૩૯ રન આપીને પાંચ વિકેટ લેનાર ભારતીય યંગ સ્પિનર વૈષ્ણવી શર્મા પ્લેયર ઑફ ધ મૅચ બની હતી
સ્મૃતિ માન્ધનાની આગેવાનીમાં ભારતીય મહિલા ટીમે ઝિમ્બાબ્વે સામે T20 પછી વન-ડે સિરીઝમાં પણ ક્લીન સ્વીપ કરી છે. વન-ડે ક્રિકેટમાં ભારતે ઑસ્ટ્રેલિયાની મહિલા ટીમ સામે સતત બે સિરીઝ હાર્યા પછી પહેલી સિરીઝ જીતી છે. જાન્યુઆરી ૨૦૨૪ પછી ભારતે ઘરઆંગણે સતત પાંચમી વન-ડે સિરીઝ જીતી છે. ઘરઆંગણે વેસ્ટ ઇન્ડીઝ અને આયરલૅન્ડ પછી ઝિમ્બાબ્વે સામે હૅટ-ટ્રિક જીત સાથે ભારતે સતત ત્રીજી ક્લીન સ્વીપ નોંધાવી હતી.
બરોડામાં ત્રીજી વન-ડે મૅચમાં ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરનાર ઝિમ્બાબ્વે ૩૯.૫ ઓવરમાં ૧૩૧ રન કરીને ઑલઆઉટ થયું હતું. જવાબમાં ભારતે ૧૭ ઓવરમાં ૧૩૩-૨નો સ્કોર કરીને ૮ વિકેટે જીત મેળવી હતી. બાકી બૉલના હિસાબે ભારતની આ ૧૯૮ બૉલની ત્રીજી સૌથી મોટી જીત હતી.
ADVERTISEMENT
ભારતની યંગ સ્પિનર વૈષ્ણવી શર્માએ ૧૦ ઓવરમાં ૩૯ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર ક્રાન્તિ ગૌડ અને સાયલી સાતઘરેને ૨-૨ વિકેટ મળી હતી.
રન-ચેઝ દરમ્યાન ભારતે પહેલા બૉલે ઝીરો પર ઓપનર યાસ્તિકા ભાટિયાની અને ૮.૪મી ઓવરમાં હરલીન દેઓલ (૧૯ બૉલમાં ૧૯ રન)ની વિકેટ ગુમાવી હતી. ઓપનર પ્રતીકા રાવલ ૫૬ બૉલમાં ૪ ફોર, ૩ સિક્સના આધારે ૫૯ રને અણનમ રહી હતી. ચોથા ક્રમે બૅટિંગ કરીને શફાલી વર્માએ ૬ ફોર, ૩ સિક્સના સહારે ૨૬ બૉલમાં તોફાની ૫૧ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી.
દીપ્તિ શર્માનો એક દાયકા જૂનો રેકૉર્ડ હજી પણ અડીખમ
૨૦ વર્ષ ૩૪ દિવસની ઉંમરે વૈષ્ણવી શર્મા વન-ડેમાં પાંચ વિકેટ લેનાર બીજી યંગેસ્ટ ભારતીય મહિલા બોલર બની હતી. સ્પિનર દીપ્તિ શર્માએ ફેબ્રુઆરી ૨૦૧૬માં રાંચીમાં શ્રીલંકા સામે ૧૮ વર્ષ ૧૭૯ દિવસની ઉંમરે ૬ વિકેટ લઈને આ રેકૉર્ડ કર્યો હતો. તેનો એક દાયકા જૂનો આ રેકૉર્ડ હજી સુધી કોઈ ભારતીય મહિલા બોલર તોડી નથી શકી.
