કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ સતત બીજી મૅચમાં હીરો
ઋતુરાજ ગાયકવાડ સતત બીજી મૅચમાં ભારત માટે મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમ્યો
રાજકોટમાં આયોજિત ભારત અને સાઉથ આફ્રિકાની A ટીમો વચ્ચેની ત્રણ અનઑફિશ્યલ વન-ડે સિરીઝમાં યજમાન ટીમે ૨-૦થી બાજી મારી છે. બીજી મૅચમાં ભારતે ૯ વિકેટે જીત નોંધાવીને સિરીઝ પર કબજો કરી લીધો છે. સાઉથ આફ્રિકા ૩૦.૩ ઓવરમાં ૧૩૨ રને ઑલઆઉટ થયું હતું. જવાબમાં ભારતે ૨૭.૫ ઓવરમાં એક વિકેટ ગુમાવીને ૧૩૫ રન કરીને ૧૩૩ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
ભારતના યંગ સ્પિનર નિશાંત સિંધુએ ૭ ઓવરમાં માત્ર ૧૬ રન આપીને સાઉથ આફ્રિકાની ૪ વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર હર્ષિત રાણાને પાંચ ઓવરમાં ૨૧ રન આપીને ૩ સફળતા મળી હતી. કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ ઓપનિંગમાં આવીને ૮૩ બૉલમાં ૯ ફોરની મદદથી ૬૮ રન કર્યા હતા. તેણે પહેલી વન-ડેમાં ૧૧૭ રન કર્યા હતા. બીજી વન-ડેમાં અભિષેક શર્માએ ૩૨ રન અને તિલક વર્માએ ૨૯ રનનું યોગદાન આપ્યું હતું.


