Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતે બંગલાદેશને ૧૧૪ રનથી કચડીને લાગલગાટ દસમી વખત પછાડ્યું

ભારતે બંગલાદેશને ૧૧૪ રનથી કચડીને લાગલગાટ દસમી વખત પછાડ્યું

Published : 21 September, 2026 01:04 PM | Modified : 21 September, 2026 01:17 PM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૯૬ રનના ટાર્ગેટ સામે બંગલાદેશી ટીમ ૧૫.૪ ઓવરમાં ૮૧ રનમાં ઑલઆઉટ

વિકેટની ઉજવણી કરતી ભારતીય ટીમ.

વિકેટની ઉજવણી કરતી ભારતીય ટીમ.


એશિયન ગેમ્સ 2026માં ગઈ કાલે રમાયેલી બીજી વિમેન્સ ક્રિકેટ સેમી-ફાઇનલમાં ભારતીય ટીમે બંગલાદેશ સામે ૧૧૪ રનની જીત સાથે સતત ૧૦મી T20 જીત નોંધાવી હતી. સપ્ટેમ્બર ૨૦૨૩થી બંગલાદેશી ટીમ ભારત સામે જીતી નથી. 
ભારતીય ટીમે ૨૦ ઓવરમાં ૧૯૫-૪નો સ્કોર કર્યો હતો. જવાબમાં બંગલાદેશી ટીમ ૧૫.૪ ઓવરમાં ૮૧-૧૦નો સ્કોર કરી શકી હતી. ભારત માટે ૧૧૪ રનની જીત એશિયન ગેમ્સમાં સૌથી મોટી અને ઓવરઑલ ત્રીજી સૌથી મોટી T20 જીત હતી.
ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરનાર ભારત માટે ઓપનર શફાલી વર્માએ ૪૯ બૉલમાં ૩ ફોર અને નવ સિક્સના આધારે અણનમ ૧૦૦ રન ફટકાર્યા હતા. ચોથા ક્રમે રમવા આવેલી કૅપ્ટન હરમનપ્રીત કૌરે ૩૩ બૉલમાં ૬ ફોરના આધારે ૪૦ રન કર્યા હતા. બંગલાદેશની છમાંથી ચાર બોલરને એક-એક વિકેટ લેવામાં સફળતા મળી હતી. 
રન-ચેઝ સમયે માત્ર ત્રણ બંગલાદેશી બૅટર્સ ડબલ ડિજિટમાં યોગદાન આપી શકી હતી. ૯.૨ ઓવપમાં ૪૯ રનના સ્કોરે અડધી ટીમ આઉટ થઈ ગઈ હતી. ઓપનર દિલારા અખ્તરે ૨૩ બૉલમાં ૪ ફોર અને એક સિક્સના આધારે ૨૭ રનનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. 
ભારતીય ફાસ્ટ બોલર નંદિની શર્માએ ૪ ઓવરમાં પચીસ રન અને સ્પિનર દીપ્તિ શર્માએ ૨.૪ ઓવરમાં માત્ર સાત રન આપીને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. સ્પિનર શ્રી ચરણીએ ૩ ઓવરમાં સાત રન આપીને એક મેઇડન ઓવરની સાથે બે વિકેટ લીધી હતી. ક્રાન્તિ ગૌડ અને શ્રેયન્કા પાટીલને ૧-૧ સફળતા મળી હતી. 

12 : આટલી સૌથી વધુ સિક્સ વિમેન્સ T20 ઇન્ટરનૅશનલની એક ઇનિંગ્સમાં ફટકારનારી ટીમ બની ભારત. ૧૧ સિક્સનો વેસ્ટ ઇન્ડીઝ અને બ્રાઝિલનો રેકૉર્ડ તોડ્યો. 



૨૨ સપ્ટેમ્બરે ગોલ્ડ અને બ્રૉન્ઝ મેડલ માટે જંગ


ગયા મહિને પૂરા થયેલા વિમેન્સ એશિયા કપની જેમ એશિયન ગેમ્સ સેમી-ફાઇનલમાં પણ શ્રીલંકાએ પાકિસ્તાન અને ભારતે બંગલાદેશને સેમી-ફાઇનલમાં માત આપીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ૨૦૨૨ની એશિયન ગેમ્સમાં પણ આ જ હરીફોને હરાવીને ભારત અને શ્રીલંકાની ટીમ ફાઇનલિસ્ટ બની હતી. 
આવતી કાલે ૨૨ સપ્ટેમ્બરે વિમેન્સ ક્રિકેટ ઇવેન્ટમાં ગોલ્ડ અને બ્રૉન્ઝ મેડલ માટે જંગ થશે. સવારે ૫.૩૦ વાગ્યે પાકિસ્તાન અને બંગલાદેશ વચ્ચે બ્રૉન્ઝ મેડલની ટક્કર શરૂ થશે. સવારે ૧૦.૩૦ વાગ્યાથી ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારત અને શ્રીલંકા ફાઇનલ મૅચમાં ગોલ્ડ મેડલ માટે એડીચોટીનું જોર લગાવશે.

એશિયન ગેમ્સમાં અને જપાનમાં સદી ફટકારનાર પહેલી મહિલા ક્રિકેટર બની ભારતની શફાલી વર્મા


ભારતીય ઓપનર શફાલી વર્મા એશિયન ગેમ્સમાં ટ્રિપલ ડિજિટમાં સ્કોર કરનાર પહેલી મહિલા ક્રિકેટર બની છે. મૅચના થોડા કલાક પહેલાં શ્રીલંકાની કૅપ્ટન ચમારી અથાપથુએ ૮૩ રનનો હાઇએસ્ટ સ્કોર નોંધાવ્યો હતો. 
 વિમેન્સ T20 ઇન્ટરનૅશનલમાં એક ઇનિંગ્સમાં સૌથી વધુ નવ સિક્સ કરનાર ભારતીય તરીકે શફાલી વર્માએ રેકૉર્ડ પોતાને નામે કર્યો. અગાઉ હરમનપ્રીત કૌરે ૨૦૧૮માં ન્યુ ઝીલૅન્ડ સામે ૮ સિક્સ ફટકારી હતી. 
 વિમેન્સ T20 ઇન્ટરનૅશનલમાં ભારત તરફથી ૪૯ બૉલમાં ફાસ્ટેસ્ટ સદી નોંધાવવાના મામલે શફાલી વર્માએ હરમપ્રીત કૌરની બરાબરી કરી. ૨૦૧૮ના વર્લ્ડ કપમાં હરમનપ્રીત કૌરે ન્યુ ઝીલૅન્ડ સામે આટલા જ બૉલમાં સદી ફટકારી હતી.

Whatsapp-channel Whatsapp-channel

21 September, 2026 01:17 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK