ઑસ્ટ્રેલિયા એક વર્ષ અને ભારત બે વર્ષ બાદ ટેસ્ટ-મૅચ રમશે, ભારત સામે એક જ ટેસ્ટ-મૅચ હારી છે કાંગારૂ મહિલાઓ
ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર, ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ઍલિસા હીલી
ઑસ્ટ્રેલિયા ટૂર પર ભારતની અંતિમ મૅચ પર્થમાં આજથી શરૂ થશે. ભારતીય સમય અનુસાર બપોરે ૧.૨૦ વાગ્યાથી ઑસ્ટ્રેલિયા અને ભારતની વિમેન્સ ટીમ વચ્ચે ૪ દિવસની ડે-નાઇટ ટેસ્ટ-મૅચ શરૂ થશે. બન્ને ટીમ વચ્ચે ૧૧ ટેસ્ટ-મૅચ રમાઈ છે જેમાંથી ઑસ્ટ્રેલિયા ૪ ટેસ્ટ-મૅચ જીત્યું છે અને ૬ મૅચ ડ્રૉ રહી છે. ડિસેમ્બર ૨૦૨૩માં ભારતને આ હરીફ સામે એકમાત્ર ટેસ્ટ-જીત વાનખેડે સ્ટેડિયમમાં ૮ વિકેટે મળી હતી.
ઑસ્ટ્રેલિયા છેલ્લી વખત જાન્યુઆરી ૨૦૨૫માં ટેસ્ટ-મૅચ રમ્યું હતું. ઇંગ્લૅન્ડ સામેની એ ટેસ્ટ-મૅચમાં કાંગારૂ મહિલાઓ એક ઇનિંગ્સ અને ૧૨૨ રને જીતી હતી. ભારત જૂન ૨૦૨૪માં છેલ્લે સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ-મૅચ રમ્યું હતું અને ૧૦ વિકેટે જીત્યું હતું. ભારત આત્મવિશ્વાસથી ભરપૂર હશે, કારણ કે એણે છેલ્લી પાંચ ટેસ્ટમાં કોઈ હારનો સામનો કર્યો નથી. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમે છેલ્લી પાંચ ટેસ્ટ-મૅચમાં ઘરઆંગણે ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાને હરાવ્યાં હતાં. એ દરમ્યાન ભારતની છેલ્લી બે વિદેશી ટેસ્ટ ૨૦૨૧માં ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સામે ડ્રૉ થઈ હતી.
ADVERTISEMENT
વિમેન્સ ક્રિકેટમાં પિન્ક બૉલ ટેસ્ટ-મૅચ ત્રણ વખત રમાઈ છે અને એ પણ ઑસ્ટ્રેલિયામાં. નવેમ્બર ૨૦૧૭ની ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડની ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી હતી. સપ્ટેમ્બર ૨૦૨૧ની ભારત-ઑસ્ટ્રેલિયાની મૅચ પણ ડ્રૉ રહી હતી. જાન્યુઆરી ૨૦૨૫માં મેલબર્નની પિન્ક બૉલ ટેસ્ટ-મૅચમાં કાંગારૂઓ ઇંગ્લૅન્ડ સામે જીત્યા હતા.
મલ્ટી-ફૉર્મેટ સિરીઝમાં ઑસ્ટ્રેલિયાની ૮-૪થી અજેય લીડ
ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની આ મલ્ટી-ફૉર્મેટ સિરીઝ પૉઇન્ટ સિસ્ટમના આધારે રમાઈ રહી છે. ત્રણેય ફૉર્મેટની મૅચ રમાયા બાદ જેની પાસે સૌથી વધુ પૉઇન્ટ હશે એ ટીમ ટ્રોફી જીતશે. દરેક ફૉર્મેટની સિરીઝ માટે કોઈ અલગથી ટ્રોફી નથી. વાઇટ-બૉલ સિરીઝમાં માત્ર બે T20 મૅચ જીતી હોવાથી ભારતીય ટીમ પાસે માત્ર ૪ પૉઇન્ટ છે, જ્યારે ઑસ્ટ્રેલિયાએ એક T20 અને ૩ વન-ડે મૅચ જીતીને ૮-૪થી અજેય લીડ મેળવી છે. ટેસ્ટ-મૅચ જીતવા પર વિજેતા ટીમને ૪ પૉઇન્ટ મળશે અને ડ્રૉ થવા પર બન્ને ટીમને બે-બે પૉઇન્ટ મળશે. હરમનપ્રીત કૌર ઍન્ડ કંપની ટેસ્ટ-મૅચ જીતીને મલ્ટી-ફૉર્મેટ સિરીઝના સ્કોરને ૮-૮થી બરાબર કરી શકે છે.
