ભારતમાં સાતેય વન-ડે સિરીઝ હાર્યું છે ન્યુ ઝીલૅન્ડ, હેડ-ટુ-હેડ રેકૉર્ડમાં પણ કિવીઓ સામે ભારતીયોનો દબદબો, ફેબ્રુઆરી ૧૯૭૫થી બન્ને ટીમ વચ્ચે વન-ડેની ૧૭ સિરીઝ રમાઈ છે. ભારત ૯ અને ન્યુ ઝીલૅન્ડ ૬ સિરીઝ જીત્યું છે.
પ્રૅક્ટિસ દરમ્યાન ભારતનો વન-ડે કૅપ્ટન શુભમન ગિલ અને યશસ્વી જાયસવાલ, કાલે બોલિંગ પ્રૅક્ટિસ કરતો ન્યુ ઝીલૅન્ડનો ભારતીય મૂળનો ખેલાડી આદિત્ય અશોક.
ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે ૧૧થી ૧૮ જાન્યુઆરી દરમ્યાન ૩ વન-ડેની સિરીઝ રમાશે. બન્ને ટીમ વચ્ચે છેલ્લે જાન્યુઆરી ૨૦૨૩માં ભારતની ધરતી પર વન-ડે સિરીઝ રમાઈ હતી. ૨૦૨૫ની ૯ માર્ચે વન-ડે ફૉર્મેટની ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં હાર્યા બાદ ન્યુ ઝીલૅન્ડ પહેલી વખત ભારતીય ટીમ સામે ટકરાશે.
ફેબ્રુઆરી ૧૯૭૫થી બન્ને ટીમ વચ્ચે વન-ડેની ૧૭ સિરીઝ રમાઈ છે. ભારત ૯ અને ન્યુ ઝીલૅન્ડ ૬ સિરીઝ જીત્યું છે. જ્યારે ૧૯૯૪ની ૪ મૅચની એકમાત્ર સિરીઝ ૨-૨થી ડ્રૉ રહી હતી. ન્યુ ઝીલૅન્ડ ભારતની ધરતી પર એક પણ વન-ડે સિરીઝ નથી જીત્યું. ૨૦૨૩ સુધી ભારતની ધરતી પર બન્ને ટીમે ૭ સિરીઝ રમી જેમાં ભારતીય ટીમની જ જીત થઈ હતી.
છેલ્લી ૯ વન-ડે મૅચથી ભારત આ હરીફ ટીમ સામે અપરાજિત છે. નવેમ્બર ૨૦૨૨ની બે મૅચનાં નો-રિઝલ્ટ બાદ ભારતે સતત ૭ મૅચ જીતી છે. ન્યુ ઝીલૅન્ડ છેલ્લે ભારતને ઑકલૅન્ડમાં ૨૦૨૨ની ૨૫ નવેમ્બરે હરાવી શક્યું હતું. જ્યારે ભારતની ધરતી પર છેલ્લે ૨૦૧૭ની ૨૨ ઑક્ટોબરે વાનખેડે સ્ટેડિયમમાં યજમાન ટીમ સામે ન્યુ ઝીલૅન્ડ વન-ડે મૅચ જીત્યું હતું.


