મહેમાન ટીમે ૨૬૦-૫ના સ્કોર પર બીજો દાવ ડિક્લેર કરી દઈને ૫૪૯ રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો, બીજી ઇનિંગ્સમાં બે વિકેટે ૨૭ રન કરનારટીમ ઇન્ડિયા હજી ૫૨૨ રન પાછળ
ગઈ કાલે રવીન્દ્ર જાડેજાએ ચાર વિકેટ લીધી હતી. તેના સિવાય બીજા કોઈ જ બોલર પ્રભાવ પાડી શક્યા નહોતા.
ભારત સામે બે ટેસ્ટ-મૅચની સિરીઝમાં ૧-૦થી આગળ સાઉથ આફ્રિકન ટીમે ગુવાહાટી ટેસ્ટ-મૅચમાં પણ પોતાની જીત સુનિશ્ચિત કરી લીધી છે. બીજી ટેસ્ટ-મૅચના પાંચમા દિવસે આજે ભારતને જીત માટે ૫૨૨ રનની અને સાઉથ આફ્રિકાને ૮ વિકેટની જરૂર છે. વાઇટવૉશથી બચવા અને મૅચ ડ્રૉ કરવા ભારતીય ટીમે દિવસના અંત સુધી બૅટિંગ કરતાં રહેવું પડશે.
સાઉથ આફ્રિકાએ પહેલા દાવમાં ૪૮૯ રન કર્યા બાદ બીજી ઇનિંગ્સમાં ૭૮.૩ ઓવરમાં ૨૬૦-૫ના સ્કોર પર ડિક્લેર કરીને ૫૪૯ રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૨૦૧ રન કરનાર ભારતે ચોથા દિવસના અંતે ૧૫.૫ ઓવરમાં ૨૭ રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી હતી.
ADVERTISEMENT
ચોથા દિવસે મહેમાન ટીમે નવમી ઓવરમાં ૨૬-૦ના સ્કોરથી ઇનિંગ્સની શરૂઆત કરી હતી. બીજા દાવમાં સાઉથ આફ્રિકા માટે ટ્રિસ્ટન સ્ટબ્સે ૧૮૦ બૉલમાં ૯ ફોર અને એક સિક્સર ફટકારીને ૯૪ રનની મોટી ઇનિંગ્સ રમી હતી. ટોની ડી ઝોર્ઝીએ ૬૮ બૉલમાં ૪ ફોર અને એક સિક્સરના આધારે ૪૯ રન કરીને ટીમને મોટી લીડ અપાવવામાં મદદ કરી હતી. ભારતીય ટીમ તરફથી સ્પિનર રવીન્દ્ર જાડેજાએ ૨૮.૩ ઓવરમાં ૬૨ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. યંગ સ્પિનર વૉશિંગ્ટન સુંદરે બાવીસ ઓવરમાં ૬૭ રન આપી એક સફળતા મેળવી હતી.
પહાડ જેવા ટાર્ગેટ સામે બીજા દાવમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર યશસ્વી જાયસવાલ ૨૦ બૉલમાં ૧૩ રન કરીને ફાસ્ટ બોલર માર્કો યાન્સેનનો અને કે. એલ. રાહુલ ૨૯ બૉલમાં ૬ રન કરીને સ્પિનર સાઇમન હાર્મરનો શિકાર બન્યો હતો. દિવસની અંતિમ ઓવરોમાં ચોથા ક્રમે સ્પિનર કુલદીપ યાદવને નાઇટ વૉચમૅન તરીકે મેદાન પર ઉતારવામાં આવ્યો હતો. બાવીસ બૉલમાં ૪ રન કરનાર કુલદીપ યાદવ અને પચીસ બૉલમાં બે રન કરનાર સાઈ સુદર્શન આજે ભારતીય ઇનિંગ્સને આગળ વધારવાની શરૂઆત કરશે.
ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસમાં ભારતે સફળતાપૂર્વક ચેઝ કરેલા હાઇએસ્ટ ટાર્ગેટ ક્યા?
ટેસ્ટ ક્રિકેટમાં ભારત દ્વારા સફળતાપૂર્વક ચેઝ કરાયેલા સૌથી વધુ રનનો ટાર્ગેટ ૧૯૭૬માં પોર્ટ ઑફ સ્પેનમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ૪૦૩ રન છે. ભારતે ૨૦૦૮માં ચેન્નઈમાં ૩૮૭ રનનો ટાર્ગેટ ઇંગ્લૅન્ડ સામે પણ ચેઝ કર્યો હતો. એશિયામાં રમાયેલી ટેસ્ટ-મૅચમાં ક્યારેય ૪૦૦+ રનનો ટાર્ગેટ ચેઝ થઈ શક્યો નથી. ઘરઆંગણે ભારતને બીજી વખત ૫૦૦+નો ટાર્ગેટ મળ્યો છે. ૨૦૦૪માં નાગપુરમાં ઑસ્ટ્રેલિયાએ ૫૪૩ રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ ૨૦૦ રને ઑલઆઉટ થતાં ભારતને ૩૪૨ રનની કારમી ટેસ્ટ-હાર મળી હતી.
પાંચમા દિવસે ૪૦૦+ રન બન્યા છે ક્યારેય?
ફક્ત એક જ વાર કોઈ ટીમે ટેસ્ટ-મૅચના પાંચમા દિવસે ૪૦૦થી વધુ રન બનાવ્યા છે. ૧૯૪૮માં હેડિંગ્લી ખાતે ઑસ્ટ્રેલિયાએ ઇંગ્લૅન્ડ સામે પાંચમા દિવસે ૧૧૪.૧ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને ૪૦૪ રન કર્યા હતા જે ટેસ્ટ-ક્રિકેટ ઇતિહાસમાં ૪૦૦થી વધુ રનનો પીછો કરવાનો પ્રથમ સફળ પ્રયાસ હતો.
|
૫૦૦+ રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમનાં રિઝલ્ટ |
|
૨૦૦૬માં પાકિસ્તાનનો ૬૦૭ રનનો ટાર્ગેટ - ૩૪૧ રને હાર |
|
૨૦૦૨માં ઇંગ્લૅન્ડનો ૫૬૮ રનનો ટાર્ગેટ - ૧૭૦ રને હાર |
|
૧૯૫૯માં ઇંગ્લૅન્ડનો ૫૪૮ રનનો ટાર્ગેટ - ૧૭૧ રને હાર |
|
૨૦૦૪માં ઑસ્ટ્રેલિયાનો ૫૪૩ રનનો ટાર્ગેટ - ૩૪૨ રને હાર |
|
૨૦૧૨માં ઑસ્ટ્રેલિયાનો ૫૦૦ રનનો ટાર્ગેટ - ૨૯૮ રને હાર |


