૪૫૭ રનના ટાર્ગેટ સામે બીજી ઇનિંગ્સમાં ૧૮૬ રને ઑલઆઉટ થઈ યજમાન ટીમ, ૭ વિકેટ લેનાર ક્રાન્તિ ગૌડ બની પ્લેયર ઑફ ધ મૅચ
લૉર્ડ્સના ૧૪૨ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત રમાયેલી વિમેન્સ ટેસ્ટ-મૅચ જીતવાની ઉજવણી કરતી ભારતીય ટીમ.
લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના ૧૪૨ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત રમાયેલી વિમેન્સ ટેસ્ટ-મૅચમાં ભારતીય મહિલાઓએ ૨૭૦ રને વિશાળ જીત નોંધાવી છે. ભારતની આ બીજી સૌથી મોટી ટેસ્ટ-જીત હતી. ઇંગ્લૅન્ડ સામેની આ પહેલાંની ૨૦૨૩ની મુંબઈ ટેસ્ટ-મૅચમાં ભારતીય વિમેન્સ ટીમે ૩૪૭ રને સૌથી વિશાળ જીત નોંધાવી હતી.
પહેલી ઇનિંગ્સમાં સ્મૃતિ માન્ધના સહિત ત્રણ પ્લેયર્સની ફિફ્ટની મદદથી ૨૮૫ રન કર્યા બાદ બીજી ઇનિંગ્સમાં યાસ્તિકા ભાટિયાની સદીની મદદથી ૩૪૧/૭ના સ્કોરે ડિક્લેર કરીને ભારતે ૪૫૭ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૧૭૦ રન કરનાર ઇંગ્લૅન્ડની બીજી ઇનિંગ્સમાં ૬૨.૫ ઓવરમાં ૧૮૬ રન કરીને તંબુભેગી થઈ હતી. ચોથા દિવસની શરૂઆતમાં જીત માટે ભારતને ૪ વિકેટ અને ઇંગ્લૅન્ડને ૩૨૭ રનની જરૂર હતી.
ADVERTISEMENT
બીજી ઈનિંગ્સમાં ભારત માટે સ્પિનર સ્નેહ રાણાએ ૪ વિકેટ લીધી હતી. ક્રાન્તિ ગૌડ, દીપ્તિ શર્મા અને સાયલી સાતઘરેને બે-બે સફળતા મળી હતી.
આ ઐતિહાસિક ટેસ્ટ-મૅચમાં ૯૧ રન આપીને ૭ વિકેટ લેનાર યંગ પેસ બોલર ક્રાન્તિ ગૌડ પ્લેયર ઑફ ધ મૅચ બની હતી. વિમેન્સ ટેસ્ટ-ક્રિકેટમાં પેસ બોલર દ્વારા કરવામાં આવેલું આ ત્રીજું બેસ્ટ પ્રદર્શન હતું.

લૉર્ડ્સમાં ઐતિહાસિક વિમેન્સ ટેસ્ટ મૅચ સાથે બેસીને નિહાળી હતી સચિન તેન્ડુલકર અને ICC ચૅરમૅન જય શાહે
ભારતીય વિમેન્સ ટેસ્ટ-ટીમનો ઇંગ્લૅન્ડમાં અપરાજિત રહેવાનો રેકૉર્ડ યથાવત્ રહ્યો
જૂન ૧૯૮૬થી હમણાં સુધી ભારત અને ઇંગ્લૅન્ડની વિમેન્સ ટીમો વચ્ચે ૧૬ ટેસ્ટ-મૅચ રમાઈ છે એમાંથી ૧૧ મૅચ ડ્રૉ રહી છે. ઇંગ્લૅન્ડ ૧૯૯૫માં જમશેદપુરમાં માત્ર ટેસ્ટ-મૅચ જીત્યું હતું. ત્યાર બાદ ભારત ૨૦૦૬, ૨૦૧૪, ૨૦૨૩ અને ૨૦૨૬ મળીને ઇંગ્લૅન્ડ સામે ૪ ટેસ્ટ-મૅચ જીત્યું છે.
ઇંગ્લૅન્ડની ધરતી પર ભારતીય વિમેન્સ ટેસ્ટ-ટીમ ક્યારેય મૅચ હારી નથી. અહીં રમાયેલી ૧૦માંથી ૭ ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી હતી અને ત્રણ મૅચમાં ભારત વિજેતા રહ્યું છે. ટેસ્ટ-ક્રિકેટમાં ભારતીય વિમેન્સ ટીમે ૪૩ મૅચોમાં નવમી જીત નોંધાવી છે. તેઓ ૭ મૅચ હાર્યા છે અને ૨૭ મૅચ ડ્રૉ રહી છે.
લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારતની મેન્સ અને વિમેન્સ ટીમની જીત
૧૯૮૬માં કપિલ દેવની કૅપ્ટન્સીમાં પાંચ વિકેટે
૨૦૧૪માં મહેન્દ્ર સિંહની આગેવાનીમાં ૯૫ રને
૨૦૨૧માં વિરાટ કોહલીની કૅપ્ટન્સીમાં ૧૫૧ રને
૨૦૨૬માં હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ૨૭૦ રને
